Published By : Parul Patel
ભરૂચ-દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓને મેનેજમેન્ટ તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે તમામ કર્મચારીઓએ ભૂખ હડતાળ યોજી વિરોધ દર્શાવ્યો હતો. ભરૂચ અને દહેજ રેલ્વેના BDR સેલ વિભાગમાં કામ કરતા કામદારો આજે કંપની મેનેજમેન્ટ સામેના પોતાના પડતર પ્રશ્નોને લઈ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા હતા.
ભરૂચની રેલ્વે કોલોની નજીક કામદારોએ આજથી ભૂખ હડતાળની શરૂઆત કરી હતી. કર્મચારીઓને કાયમી કરવાની માંગ ઉચ્ચારી હતી, તેમજ વેતન પણ કંપની તરફથી ઓછું આપવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. વર્ષ 2012થી લઈને અત્યાર સુધી 12 કલાકની નોકરી કરાવી 8 કલાક જેટલું જ વેતન આપવામાં આવતા કર્મચારીઓએ તમામ મુદ્દાના નિરાકરણ માટે આખરે કંપની મેનેજમેન્ટ સામે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. એટલું જ નહીં, કર્મચારીઓની માંગણીઓનો વહેલી તકે ઉકેલ આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.