Published by : Rana Kajal
- ગજેરાથી આગળ જતાં દરવાજે ઉભેલા વૃદ્ધને ડ્રાઇવરે અંદર જવા કહેતા રકઝકમાં સર્જાયો અકસ્માત
- ઇજાગ્રસ્તોને 108 માં જંબુસર, વડું અને વડોદરા સારવાર અર્થે ખસેડાયા
- છેલ્લા 3 મહિનાથી જંબુસરની 8 બસોના અકસ્માતમાં 3 ના મોતનો લોકોનો આક્ષેપ
જંબુસર એસ.ટી. ડેપોની કારેલીથી જંબુસર આવતી સવારની બસ ગજેરા નજીક ડ્રાઈવરનો કાબુ નહિ રહેતા વરસાદી કાંસમાં ઉતરી ગઈ હતી. ઘટનામાં એક વૃદ્ધનું મોત જ્યારે વિધાર્થીઓ સહિત 20 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે.જંબુસર ડેપોની કારેલી જંબુસર બસ મંગળવારે સવારે 7 વાગે 40 થી વધુ મુસાફરોને લઈ નીકળી હતી. બસમાં સ્કૂલ અને આઈટીઆઈ સાથે કોલેજના વિધાર્થીઓ પણ હતા.
ગજેરાથી એક વૃદ્ધ બસમાં ચઢ્યા હતા. જેઓ દરવાજા પાસે જ ઉભા રહેતા ડ્રાઈવર અને મુસાફરની આ અંગે અંદર જતા રહેવા રકઝક પણ થઈ હતી.દરમિયાન થોડે જ દૂર રસ્તાની બીજી બાજુ આવેલી વરસાદી કાંસમાં બસ ઉતરી પડી હતી. ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે ભટકાઈ અટકી ગઈ હતી.
બસમાં સવાર મુસાફરોને ઇજાઓ પોહચતા તેઓએ બુમરાણ મચાવી દીધી હતી. અકસ્માતમાં ગજેરાના નગીનભાઈ નામના મુસાફરનું મૃત્યુ થયું હતું. જ્યારે 7 થી વધુ છાત્રો સહિત 20 જેટલા મુસાફરોને ઇજા પોહચતા દોડધામ મચી ગઇ હતી.સ્થાનિકો, વાહન ચાલકોના ટોળા વચ્ચે પોલીસ અને 108 ના સ્ટાફે દોડી આવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસર રેફરલ, વડું અને વડોદરા સારવાર અર્થે ખસેડયા હતા.
મુસાફરો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, 3 મહિનામાં જંબુસરની ડેપોને આ 8 મો અકસ્માત નડ્યો છે. જેમાં 3 લોકોના મોત થયા છે. જંબુસર ડેપોના ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવાની અને એસ.ટી. નિગમ આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે.