- પછાત વર્ગની મહિલાઓને કમરથી ઉપર કપડાં અને ઘરેણાં પહેરવાનો અધિકાર અપાવવા માટે લડનાર એક પુરુષ હતો
મલયાલમ ભાષામાં બનેલી ફિલ્મ ‘પથોનપથમ નૂટુંડુ લોકો અને વિવેચકો (ક્રિટિક્સ) ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ‘પથોનપથમ નૂટુંડુ’ નો અર્થ થાય છે 19 મી સદી. આ ફિલ્મ અરત્તુપુઝા વેલાયુદ્ધા પણિક્કરના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં પણિક્કરના પાત્રને અભિનેતા સીજૂ વિલ્સને ભજવ્યો હતો. આ ફિલ્મનું ટ્રેલર પહેલું એવું ટ્રેલર છે કે જેને મેટાવર્સ પર લોન્ચ કરવામાં આવ્યુ હતું. મેટાવર્સ એટલે કે અમુક એવી વસ્તુઓ કે, જે પડદામાં દેખાતી વસ્તુઓને રિયલમાં થતી હોય તેવો અનુભવ અપાવે. આ કારણોસર જ ઐતિહાસિક ફિલ્મની વાર્તાના માહોલને જોઈને ટ્રેલર લોન્ચ માટે એક 3D સ્પેસ બનાવવામાં આવી.
ચાલો જાણીએ કેરળના અરત્તુપુઝા વેલાયુદ્ધા પણિક્કરના જીવન વિશે જેણે 19મી સદીમાં કાસ્ટ સિસ્ટમ અને પરંપરાઓથી ઉપર ઉઠીને મહિલાઓના વિકાસ અને અધિકારો માટે લડાઈ લડી હતી.
કોણ છે કેરળના અરત્તુપુઝા વેલાયુદ્ધા પણિક્કર ?
અરત્તુપુઝા વેલાયુદ્ધા પણિક્કરે કેરળના એક સુખી અને સમૃદ્ધ વેપારીના કુટુંબમાં જન્મ લીધો હતો. રાજ્યમાં સુધારા ચળવળમાં તેમને સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક માનવામાં આવતા હતા. પછાત વર્ગની મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય સામે તેમણે એકલા ઊભા રહીને અવાજ ઉઠાવ્યો હતો. વેલાયુદ્ધા પણિક્કરે કેરળમાં ‘સવર્ણો’ના વર્ચસ્વને પડકાર્યો હતો અને જાતિપ્રથા પર પ્રહારો કર્યા હતા. તેણે અનેક પ્રકારના આંદોલનોના માધ્યમથી મહિલાઓની રહેણી-કરણી અને તેના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો. તેણે વર્ષ 1852માં કેરળના અરત્તુપુઝામાં ભગવાન શિવનું મંદિર બનાવ્યુ હતું. આ સમયે તે કેરળનું પહેલું એવું મંદિર હતું કે, જ્યાં બધી જ જ્ઞાતિના લોકોને એકસાથે પૂજા કરવા માટેની મંજૂરી હતી. આ જ ધ્યેય સાથે તેણે વર્ષ 1854માં ચેરથાલામાં ભગવાન શિવનું બીજુ મંદિર સ્થાપિત કર્યું. અહી પણ કોઈપણ જ્ઞાતિના લોકો આવીને પૂજા કરી શકતા હતા.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/PATHONPATHAM-SIJI-WILSON.jpg)
મહિલાઓને પૂરા કપડા પહેરવાનો અધિકાર અપાવ્યો
તેણે કેરળના પછાત વર્ગમાંથી આવતી મહિલાઓના અધિકારો માટે લડત ચલાવી હતી. વર્ષ 1858માં કેરળના કયામકુલમ શહેરમાં તે હડતાળ પર ઉતર્યા હતા. આ હડતાલનો હેતુ અગાઉના વર્ગની મહિલાઓને ઘૂંટણની નીચે કપડાં પહેરવાનો અધિકાર મળે તે માટેનો હતો. વર્ષ 1859માં આ અભિયાન’એથાપ્પુ સમારમ’ નામથી ઓળખાવા લાગ્યું, જેના દ્વારા તેણે પછાત જાતિની મહિલાઓને શરીરના ઉપરના ભાગમાં કપડાં (એટલે કે બ્લાઉઝ) પહેરવાનો અધિકાર અપાવ્યો હતો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/PATHONPATHAM-NOOTTANDU-1-808x1024.jpg)
લડાઈ લડી ત્યારે નથ અને ઝવેરાત પહેરવાનો અધિકાર મળ્યો
19મી સદીમાં પછાત વર્ગની મહિલાઓને સોના-ચાંદીના આભૂષણો પહેરવા પર પ્રતિબંધ હતો. વર્ષ 1860માં તેણે પછાત વર્ગની મહિલાઓ સાથે તેમના અસ્તિત્વ અને શણગાર માટે લડત આપી હતી. આ લડાઈને કારણે જ મહિલાઓને ઘરેણાં અને નથ પહેરવાનો અધિકાર મળ્યો હતો. આ લડાઇઓ મહિલાઓના અધિકારો માટે લડ્યા પછી જ પછાત વર્ગના લોકોએ તે દિવસોમાં ઉચ્ચ જાતિઓ દ્વારા કરવામાં આવતા ઘણા અત્યાચારો સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું.