Published by : Anu Shukla
- મિસિસોગામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરીને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો
- આ ઘટના અંગે કેનેડાના ટોરોન્ટોમાં આવેલા ભારતના કોન્સ્યુલેટ જનરલે આકરી ટીકા કરી હતી
કેનેડાના મિસિસોગામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરીને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના મંગળવારે મિસિસોગાના રામ મંદિરમાં બની હતી. આ ઘટના અંગે કેનેડાના ટોરોન્ટોમાં આવેલા ભારતના કોન્સ્યુલેટ જનરલે આકરી ટીકા કરી હતી અને કેનેડા સરકારને અપીલ કરી હતી કે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. કોન્સ્યુલેટ જનરલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ‘અમે મિસિસોગામાં રામ મંદિરમાં તોડફોડ કરવા અને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટનાની આકરી ટીકા કરીએ છીએ. અમે કેનેડા સરકાર સમક્ષ આ મામલાની તપાસ કરવા અને દોષિતો સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે.
કેનેડામાં હિન્દુ મંદિરને નિશાન બનાવવાની આ પહેલી ઘટના નથી
કેનેડામાં હિન્દુ મંદિરને નિશાન બનાવવાની આ પહેલી ઘટના નથી. અગાઉ જાન્યુઆરીમાં કેનેડાના બ્રામ્પટન સ્થિત હિન્દુ મંદિરમાં પણ ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટના બની હતી. જેને લઈને હિન્દુ સમાજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોન્સ્યુલેટ જનરલે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બ્રામ્પટનમાં ગૌરી શંકરમાં તોડફોડની ઘટનાથી કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. કોન્સ્યુલેટ જનરલે આ મામલો કેનેડા સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો.
બ્રામ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ આ ઘટનાની નિંદા કરી
બ્રામ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આવા ધિક્કારપાત્ર કૃત્યને આપણા શહેરમાં અને દેશમાં કોઈ સ્થાન નથી. આ ઘટના અંગે મેયરે શહેરના પોલીસ વડા સાથે પણ ચર્ચા કરી હતી. જ્યારે સપ્ટેમ્બર 2022ના રોજ કેનેડામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવાની અને ભારત વિરોધી સૂત્રો લખવાની પણ ઘટના બની હતી. આ ઘટનામાં ખાલિસ્તાન સમર્થકો આરોપી હતા. બીજી બાજુ જુલાઈ 2022 માં, ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં રિચમંડ હિલ નામના સ્થળે એક હિન્દુ મંદિરમાં સ્થાપિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવામાં આવી હતી. આ ઘટનામાં પણ ખાલિસ્તાનના સમર્થકો પર આરોપો લગાવવામાં આવ્યા હતા.