Published by : Vanshika Gor
બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર હાલ પોતાની આગામી ફિલ્મ ‘સેલ્ફી’ને લઇને ચર્ચામાં છે. અભિનેતા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ઘણી વખત તેણે તેની નાગરિકતાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. લાંબા સમયથી ટ્રોલ થઇ રહેલા અભિનેતાએ હવે પોતાની કેનેડાની નાગરિકતા છોડવાનો ફેંસલો કર્યો છે. હાલમાં તેને એક ઇન્ટરવ્યુમાં પોતાની નાગરિકતા વિશે વાત કરી હતી.
એક ઇન્ટરવ્યુમાં અક્ષય જણવ્યું કે ભારત જ મારા માટે સર્વસ્વ છે. મેં જે કંઈ હાંસલ કર્યું છે, તે અહીંયાથી જ કર્યું છે. હું ભાગ્યશાળી છું કે મને દેશ માટે કંઈક કરવાનો મોકો મળ્યો. હું અહીંયાના પાસપોર્ટ માટે પહેલા જ એપ્લાય કરી ચૂક્યો છું.’તેણે વધુમાં જણાવ્યું હતું કે, ‘એક સમયે તેની 15થી વધુ ફિલ્મો ફ્લોપ થઈ ગઈ હતી, આ જ કારણ હતું જેના કારણે તેને કેનેડાની નાગરિકતા લેવાની પ્રેરણા મળી હતી. મેં વિચાર્યું કે મારી ફિલ્મો નથી ચાલી રહી અને મારે એક કામ તો કરવું છે. હું ત્યાં કામ માટે ગયો હતો. મારો મિત્ર કેનેડામાં હતો અને તેણે કહ્યું કે અહીં આવી જા. ત્યાર બાદ મેં અરજી કરી અને નાગરિકતા મળી ગઇ હતી.
તેણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘મારી માત્ર બે ફિલ્મો રિલીઝ થવાની બાકી હતી. સદભાગ્યે બંને સુપરહિટ થઈ હતી. મારા મિત્રએ કહ્યું કે, પાછા જાઓ અને ફરીથી કામ કરવાનું શરૂ કરો. તે પછી મને કામ મળવા લાગ્યું. હું ભૂલી ગયો કે મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે. આ પાસપોર્ટ બદલાવાનો ક્યારેય વિચાર જ ન આવ્યો, પરંતુ હવે મેં મારો પાસપોર્ટ બદલવા માટે અરજી કરી દીધી છે.’