Published by : Rana Kajal
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે એક મોટી ઘોષણા કરી હતી. આ અંતર્ગત મંત્રાલયે કાશ્મીર મૂળના એજાઝ અહમદ અહંગર ઉર્ફે અબુ ઉસ્માન અલ-કાશ્મીરીને આતંકવાદી જાહેર કર્યો છે. આ ભયંકર આતંકવાદી અલ-કાયદા સાથે સંબંધ ધરાવે છે અને અન્ય વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે સંપર્કમાં છે. તે ભારતમાં ઈસ્લામિક સ્ટેટ (IS)ને ફરી શરૂ કરવાનું કામ કરી રહ્યો છે. એજાઝ અહમદ અહંગર હાલમાં અફઘાનિસ્તાનમાં સ્થાયી થયો છે અને તે ઈસ્લામિક સ્ટેટ જમ્મુ અને કાશ્મીર માટે આતંકવાદીઓની ભરતી કરનારાઓમાં પ્રમુખ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે રાત્રે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે, એજાઝ અહમદ અહંગરને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 1974માં શ્રીનગરમાં જન્મેલ અહંગર જમ્મુ-કાશ્મીરમાં બે દાયકાથી વધુ સમયથી વોન્ટેડ છે. તેણે કેટલાક આતંકવાદી હુમલામાં પણ ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં તેણે વિવિધ આતંકવાદી સંગઠનો વચ્ચે સંકલન ચેનલ બનાવીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત વ્યૂહરચના ઘડવાનું શરૂ કર્યું છે. અહંગરને છેલ્લી વખત કાશ્મીરની જેલમાંથી 1996માં મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારથી તે ભારતમાંથી ફરાર થયો હતો.હાલ એજાઝ અહમદ અહંગરને ગેરકાનૂની પ્રવૃત્તિઓ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.