Published by : Rana Kajal
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નશીલા દ્રવ્યોની સમસ્યા અને તેને પહોંચી વળવા સરકારે લીધેલા પગલાંની વિગતવાર જાણકારી આપી હતી. સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી મુખ્ય પહેલ વિશે ગૃહને જાણકારી આપતા અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં 4-સ્તરીય NCORD- સ્થાપિત કરવામાં આવી હતી અને આ અંતર્ગત લેવાયેલા ઘણા નિર્ણયો રાજ્યોને આપવામાં આવ્યા છે અને તેને જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે એન્કોર્ડની જિલ્લા કક્ષાની બેઠક સૌથી મહત્વની છે કારણ કે જ્યાં સુધી ડીસીપી, કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વગેરે જિલ્લા સ્તરે એક સાથે બેસીને ચર્ચા નહીં કરે ત્યાં સુધી આપણી આ લડત સફળ નહીં થાય. તેમણે કહ્યું કે, આજ સુધી દેશના માત્ર 32 ટકા જિલ્લાઓમાં જ એન્કૉર્ડ સમિતિ બની છે. ગૃહમંત્રીએ ગૃહનાં માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને વ્યક્તિગત રસ લઈને પોત-પોતાના રાજ્યોમાં જિલ્લા સ્તરની એન્કૉર્ડ સમિતિઓની રચના કરવા વિનંતી કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં 75 વર્ષના અવસર પર અમે 60 દિવસની અંદર 75000 કિલો નશીલા પદાર્થોનો નાશ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ અમે 60 દિવસમાં જ 1,60,000 કિલો નશીલા પદાર્થોને બાળવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીનાં નેતૃત્વમાં અમે નક્કી કર્યું હતું કે અમે આ દેશની પેઢી અને યુવાનોને ડ્રગ્સ દ્વારા બરબાદ નહીં થવા દઈએ અને અમે તેમાં સફળ થઈ રહ્યા છીએ.