Published by : Vanshika Gor
આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે પાર્ટી વિરુદ્ધ જતા પહેલાં તેઓ તેમના ઘરે આવ્યા હતા અને પોક મૂકીને રડ્યા હતા. તે દરમ્યાન તેમણે કહ્યું હતું કે જો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ નહીં થાય તો કેન્દ્ર સરકારની એજન્સી તેમને જેલમાં નાખી દેશે. આદિત્ય ઠાકરેના આ નિવેદન બાદ શિંદે ગ્રુપમાં ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રમાં નવો રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે.
આ દાવાને નકારી કાઢતા શિંદે જૂથના ધારાસભ્ય સંતોષ બાંગરે કહ્યું કે ભાજપ તરફથી કોઈ ખતરો નથી. ઠાકરે પરિવારની વિરૂદ્ધ જવાનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે આનું કારણ શિવસેનાનું કોંગ્રેસ અને એનસીપી સાથે અગાઉનું જોડાણ હતું. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે એકનાથ શિંદે ખૂબ જ મજબૂત નેતા છે, તેઓ રડનારાઓમાંના નથી, તેથી તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા છે.
આદિત્ય ઠાકરે વિશાખાપટ્ટનમની એક યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમારા 40 ધારાસભ્યોએ પૈસા માટે પોતાની બેઠકો અને વિધાનસભા દાવ પર લગાવી દીધી હતી અને અમારી સામે બળવાનું બ્યુગલ વગાડ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, ‘હાલના મુખ્યમંત્રી એકનાથ (શિંદે) અમારા ઘરે આવ્યા અને રડવા લાગ્યા કારણ કે એક કેન્દ્રીય એજન્સી તેમની ધરપકડ કરવાની હતી. તેમણે કહ્યું મારે ભાજપમાં જોડાવું પડશે નહીં તો મારી ધરપકડ કરી લેશે.