નવી દિલ્હી : કોંગ્રેસમાં નવા અધ્યક્ષ કોણ હશે તે અંગે અટકળો વધી ગઈ છે. દરમિયાન પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે રાહુલ ગાંધી ઉમેદવારીપત્ર ભરવા દરમિયાન ભારત જોડો યાત્રા પર જ રહેશે અને દિલ્હી જવાના નથી. જયરામ રમેશના આ નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષપદની જવાબદારી સંભાળશે નહીં.
રાહુલ ગાંધી 23 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રામાંથી બ્રેક લઈને દિલ્હી આવવાના છે. રમેશે કહ્યું હતું કે રાહુલ તેમની માતા સોનિયા ગાંધીને મળશે. રિપોર્ટ્સ પ્રમાણે, રાહુલ આ દરમિયાન સોનિયા ગાંધી સાથે નવા અધ્યક્ષના નામ વિશે ચર્ચા-વિચારણાં કરી શકે છે.
સોનિયા ગાંધીએ 20 સપ્ટેમ્બરે સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલને કેરળથી પરત બોલાવ્યા હતા. રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે તો હવે કોંગ્રેસની જવાબદારી બિન-ગાંધીના હાથમાં જવાનું નક્કી છે. 1998માં સીચારામ કેસરીને હટાવીને સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા હતા. ત્યાર પછી 2017માં રાહુલ કોંગ્રેસ-અધ્યક્ષ બન્યા હતા, પરંતુ 2019માં તેમને આ પદ છોડવું પડ્યું હતું. 2019 પછી સોનિયા ગાંધીએ ફરી વચગાળાના અધ્યક્ષ તરીકે કોંગ્રેસની જવાબદારી સંભાળી હતી, પરંતુ હવે તેમની તબિયત બહુ સારી ના રહેતી હોવાથી તેમણે અધ્યક્ષપદે રહેવાનો ઈનકાર કરી દીધો છે.
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ અશોક ગેહલોતે રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે પોતાના નામની નોંધણી કરવાના સંકેત આપ્યા છે. ગેહલોતે કહ્યું હતું કે છેલ્લી વખત રાહુલને મળી તેમને મનાવવાના પ્રયત્ન કરીશ, જો રાહુલ ન માન્યા તો હાઈકમાન્ડનો જે આદેશ હશે એને અનુસરીશ.