વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હવે નવી જાહેરાત કરવામાં આવી છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારનું મૃત્યુ થશે તો 10 લાખ તેમજ જેલમાં રહે ત્યાં સુધી તેના પરિવારોને રોજના 400 રૂપિયાની સહાય આપવામાં આવશે. ચૂંટણીઓ પૂર્વે વિવિધ પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે ઘોષણપત્ર જાહેર કરે છે અને તેઓની સરકાર આવશે તો શું કરે તે મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂકે છે. વિધાન સભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે.

આજે માછીમારોના સંકલ્પપત્રની અમદાવાદ ખાતેથી જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષની સરકાર બનતાં જ માછીમાર ભાઈઓ માટે 27 વર્ષ પહેલાં અમલમાં રહેલી યોજનાઓ પુનઃ જીવિત કરવાની સાથે ગુજરાતને ફરીથી દેશનું ફિશિંગ હબ બનાવવાની બાંહેધરી આપીને માછીમારો માટેના 14 સંકલ્પ-ગેરંટીની જાહેરાત કરી હતી.

તાજેતરમાં ચૂંટણી પહેલાં નવા સંકલ્પપત્ર-ચૂંટણીઢંઢેરાની અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે જાહેરાત કરતાં કોંગ્રેસપક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપનાં 27 વર્ષના શાસનમાં ખેડૂતોના પાક વીમા સહિતના અનેક હક્કો ભાજપે ઝૂંટવ્યા છે. ત્યારે કોંગ્રેસપક્ષે ગુજરાતને કૃષિક્ષેત્રમાં દેશનું અવલ્લ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને ખેડૂતો માટેના મુદ્દાઓના કાર્યક્રમની જાહેરાત કરી હતી. કોંગ્રેસે રજૂ કરેલા ખેડૂતો માટેના 11 મુદ્દાનો સંકલ્પપત્ર દેશના છતીસગઢ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ જેવાં અનેક રાજ્યો અમલ કરી ચૂક્યા છે. આ સંકલ્પપત્રનો અમલ કરવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની દ્વારકા શિબિરમાં ચર્ચાયેલા ”દ્વારકા ઘોષણા પત્ર”ના બાકીના મુદ્દાઓની જાહેરાત હવે પછી તબક્કાવાર કરવામાં આવશે.