Published by : Rana Kajal
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે તોડ-જોડનું રાજકારણ ગરમાયું છે. જેમાં મંગળવારે છોટા ઉદેપુરના કોંગ્રેસ નેતા મોહન રાઠવા ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે કોંગ્રેસના વધુ એક નેતા અને ગીર સોમનાથની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડ ભાજપમાં જોડાયા છે. ગીર સોમનાથની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ વેરાવળ તાલુકા પંચાયના પુર્વ પ્રમુખ રહી ચુકેલા ભગા બારડ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કોંગ્રેસના નેતા ભગા બારડ તેમજ જશાભાઇના પુત્ર શૈલેષ બારડ અને હિરેન બારડને ખેસ અને ટોપી ધારણ કરાવી પક્ષમાં આવકાર્યા હતા.
ભગા બારડે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય તરીકે અને સભ્ય પદેથી આજે મારુ રાજીનામું આપી મોટી સંખ્યામાં મારા સમર્થકો સાથે ભાજપમાં જોડાયો છું. ઘણા વિચારો કર્યા પછી કોઇની ટીપ્પણી કરવી નથી. અમે મુળ કોંગ્રેસી નથી.વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસની રાજનીતીમાં એક સૌનિક તરીકે જોડાયો છું. પક્ષ જે પણ કામગીરી સોંપશે તે નિષ્ઠા પુર્વક પ્રમાણિક રીતે પુર્ણ કરીશ. અમારા પરિવાર સાથે આખા ગુજરાત અને સૌરાષ્ટ્રનો આહિર સમાજ જોડાયેલો છે અને અન્ય સમાજના વર્ગો પણ અમારા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા છે.