- ગેહલોત અને સચિન પાયલોટની લડાઈમાં ગુજરાતના ઉમેદવારો અટવાયા
- ટિકિટ માટે દાવેદારોનો રાફડો
ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે તો ભાજપા વિવિધ રેલીઓનું આયોજન કરી રહ્યું છે. સામે આમ આદમી પાર્ટી પણ જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી(AAP)એ બે યાદી જાહેર કર્યા પછી કોંગ્રેસે એવી જાહેરાત કરી હતી કે 15મી સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થશે. બાદમાં દાવેદારોની સંખ્યા વધી જતાં આ યાદી સપ્ટેમ્બરના અંતમાં જાહેર થશે એવી જાહેરાત કરાઈ હતી. પરંતુ આજે સપ્ટેમ્બર પણ પૂર્ણ થઇ ગયો છતાં યાદીના ઠેકાણા નથી. ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં જ એવો ગણગણાટ શરુ થયો છે કે આ યાદી ક્યારે બહાર આવશે.
કોંગ્રેસના નેતાઓ પણ યાદીની રાહ જોતા હતા, પણ ભારત જોડો યાત્રા અને રાજસ્થાનમાં ગેહલોત તથા સચિન પાઈલટ વચ્ચેની રાજકીય લડાઈ તથા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી ઘોંચમાં પડી છે. હવે ઓક્ટોબર મહિનામાં પ્રથમ યાદી જાહેર થાય એવી શક્યતા છે. કોંગ્રેસના નેતાઓ યાદી જાહેર ન થતાં મૂંઝવણમાં મુકાયા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીના ચાર મહિના પહેલાં જ તેના 29 ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ સમયમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોતે પણ એવું નિવેદન કર્યું હતું કે 15 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, પરંતુ દાવેદારોની સંખ્યા વધી જતાં આખરે સપ્ટેમ્બરના અંતમાં પ્રથમ યાદી જાહેર થવાની હતી, જે રાજસ્થાનની સત્તાની લડાઈ અને કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીના મામલે હવે ઘોંચમાં પડી છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થયો ત્યારે કોંગ્રેસની યાદી હજી જાહેર થઈ શકી નથી. જેથી કોંગ્રેસમાં ઉમેદવારો પણ યાદીની રાહ જોઈ રહ્યા છે. ચાલુ ધારાસભ્યોને કોંગ્રેસ પહેલી યાદીમાં સમાવી લેશે, પરંતુ યાદી જાહેર ન થવાથી તેમની બેઠકો પર દાવેદારી નોંધાવવા માટે અન્ય કાર્યકર્તાઓને અસમંજસ અનુભવાઈ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યની 182 વિધાનસભાની બેઠકો માટેના દાવેદારોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી 850થી વધુ દાવેદારો માટે છેલ્લા 5 દિવસથી ચાલતી હતી. દરેક ઝોન પ્રમાણે યોજાયેલી સુનાવણીમાં બેઠક દીઠ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. હવે પ્રદેશ ઇલેકશન કમિટી સુનાવણી હાથ ધરશે. દરેક દાવેદારોને પ્રદેશ કક્ષાએ પોતાના બાયોડેટાવાળા એપ્લિકેશન ફોર્મ જમા કરાવવાનું જણાવાયું હતું. પ્રાથમિક તબક્કે મળેલાં આ તમામ ફોર્મની ચકાસણી સાથે દાવેદારોની વાત પણ સાંભળવામાં આવી હતી. સુનાવણીમાં પ્રદેશ સેક્રેટરી અને સ્થાનિક નેતાઓ બેઠા હતા. નેતાઓએ દરેક દાવેદારની આર્થિક સ્થિતિ, રાજકીય કદ, સામાજિક પ્રવૃત્તિ, પક્ષમાં તેમની અત્યારસુધીનું કાર્ય સહિતની બાબતોને લઇને મૂલ્યાંકન કર્યુ હતું. કોંગ્રેસ આવતા મહિને પોતાની પ્રથમ યાદી જાહેર કરશે.