- એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 10 મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
- દેશ વિદેશના અવનવા પતંગો, પતંગબાજો અને કરતબો જોવા મળશે
- વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી પતંગબાજો ભાગ લેશે
- નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષપદે આયોજન અંગે યોજાયેલી બેઠક
કોરોના કાળના બે વર્ષ બાદ વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરાષ્ટ્રીય પતંગોત્સવનું 10 જાન્યુઆરીએ આયોજન કરાયું છે. જેમાં ગુજરાત, દેશ અને વિદેશન પતંગબાજો અવનવા પતંગો સાથે ભાગ લેશે.

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે આગામી 10મી જાન્યુઆરી મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર SOU ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 યોજાનાર છે. પૂર્વ તૈયારીઓ અને આયોજન અંગે નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં RDC ગાંધીએ જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોની પૂરતી કાળજી સાથે આ ઉજવણી સુપેરે પાર પાડીને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો સહભાગી બનશે.

મહોત્સવના નોડલ અધિકારી અને નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, SOUADTGA ના અધિક કલેકટ ધવલ જાની અને ગુજરાત પ્રવાસન નિગમના (TCGL) ઝોનલ ઇજનેર શ્યામલ પટેલે પણ બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થાને અનુરૂપ વિવિધ સુચનો સાથે જરૂરી ચર્ચાઓ પણ કરી હતી. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.