શાહજહાંએ તેની પત્નીની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુરના નગારીયાના રહીશે સ્વર્ગ વાસી પત્નીની યાદ અને સન્માનમાં પોતાના ઘરને લાયબ્રેરી બનાવી છે અને નામ આપ્યું છે “શીતળ છાંયડો”. અહીં અનેક વિદ્યાર્થીઓ ધરમપુરના ઉંડાણના ગામો માંથી આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે.અઢી વર્ષથી શરૂ થયેલી લાયબ્રેરી હાલ તો રણમાં મીઠી વિરીડી સમાન બની છે.અહીં લાયબ્રેરીમાં વાંચન કરીને પાસ થયેલા છ વિદ્યાર્થીએ સરકારી નોકરી મેળવી છે.
ચા,નાસ્તા અને રહેવાનું વ્યવસ્થા
ધરમપુરના નગારિયા વિસ્તારના અવધૂત નગરમાં રહેતા જયંતીભાઈ ગમનભાઈ પટેલની ધર્મપત્ની હંસાબેનનું કોરોનાકાળ દરમિયાન નિધન થયું હતું.તેમની યાદમાં તેમને શિક્ષણને વેગ મળે અને વધુમાં વધુ ગ્રામીણ કક્ષાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સરકારી ક્ષેત્રે નોકરી મેળવે એવા હેતુથી પોતાના ઘરના ટેરેસ ઉપર એક લાયબ્રેરીનું નિર્માણ કરાવ્યું છે.જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને તમામ સુવિધાઓ નિઃશુલ્ક છે. અહીં ઉંડાણના ગામના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે છે. આવા વિદ્યાર્થીઓએ રાત્રે લાયબ્રેરીમાં રોકાણ કરવું હોય તો તેઓ આરામથી કરી શકે છે. અહીં ચા – નાસ્તાની સાથે સાથે જમવાની પણ સુવિધા જયંતીભાઈ દ્વારા આપવમાં આવે છે.વિદ્યાર્થીઓ પોતાના સમય બચાવી વાંચન કરી શકે એવી સુવિધાઓ પણ છે.