- રાજ્યના 8 જિલ્લામા ઝીરો રસીકરણ, રાજકોટમા બૂસ્ટર ડોઝ સંપૂર્ણ ખલ્લાસ
કોરોના મહામારીનો ભય ફેલાયો છે. લોકોને રસી મુકાવવા અંગે અપીલ કરવામા આવી રહી છે .ત્યારે રાજ્યમાં કોરોનાની રસીનો પૂરતો સ્ટોક હોવો જરૂરી છે. હાલમાં નવા વેરિયેન્ટથી ગુજરાતમાં રસીકરણ પાંચ ગણુ વધી ગયું છે.
કોરોનાનો ભય ફરી પ્રસરતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં લોકોએ રસી લેવા ફરી આરોગ્ય કેન્દ્રો પહોંચી રહ્યા છે પરંતુ, અનેક સ્થળે લોકોની રસી પ્રત્યે ઉદાસીનતાને કારણે રસીનો પૂરતો સ્ટોક રખાયો ન હોવાથી લોકોને ધક્કા થાય છે. રાજકોટમાં લોકો રસી લેવા માટે પહોંચ્યા હતા પરંતુ, આરોગ્ય કેન્દ્ર પર કોવિશિલ્ડ રસીનો સ્ટોક નથી તેવા બોર્ડ જોવા મળ્યા હતા.
ગુજરાતમાં લોકો હાલ પહેલો કે બીજો ડોઝ લેવા નહીં પણ મુખ્યત્વે કોરોનાના નવા મોજાથી બચવા પ્રિકોશન (બૂસ્ટર) ડોઝ લેવા ધસી રહ્યા છે. રાજ્યમાં ત્રણ દિવસ પહેલા રોજ સરેરાશ 3000ના રસીકરણ સામે આજે એક દિવસમાં 16073 લોકોએ રસી મુકાવી હતી જેમાં 10,577 રસી તો માત્ર અમદાવાદ,સુરત શહેરમાં અપાઈ છે.તો બીજી તરફ, રાજ્યના અમરેલી, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, મહીસાગર, નર્મદા અને તાપી જિલ્લામાં રસીકરણ શૂન્ય રહ્યું છે. રાજકોટમાં માત્ર 27ને રસીકરણ કરાયું છે. નિયમ એવો છે કે જેઓએ રસીના બે ડોઝ કોવિશિલ્ડના લીધા હોય તેમણે બૂસ્ટર ડોઝ તે જ બ્રાન્ડની રસીનો લેવાનો હોય છે અને તેનો સ્ટોક રાજકોટમાં ઝીરો છે. રાજ્ય સરકાર પાસે રાજકોટને તાત્કાલિક આપી શકાય એટલો સ્ટોક નથી અને તેથી લોકોમાં ચિંતા ફેલાઇ ગઇ છે.