Published by : Anu Shukla
કોઈપણ ક્રિકેટ મેચ રમાતી હોય તેની સાથે સાથે સટોડિયા પણ સક્રીય થઈ જતા હોય છે. કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે ત્યારે સટ્ટા અંગેની પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
હજારો કિલોમીટર દૂર દૂબઈમાં બેસીને ક્રિકેટ સટ્ટાનું ઓનલાઈન નેટવર્ક ચલાવતા સટોડિયા આર.આર. સહિતના બૂકીઓએ ક્રિકેટ સટ્ટાના રૂ ૧૪૧૪ કરોડના બ્લેકમનીની જે બેંક ખાતાઓમાં હેરાફેરી કરી તેની તમામ વિગતો ક્રાઈમબ્રાંચે બેંકો પાસે માંગી છે. ક્રિકેટ સટ્ટાનું ઓનલાઈન નેટવર્ક ચલાવતા આર.આર. સહિતના બૂકીઓએ ૧૪૧૪ કરોડના ટ્રાન્ઝેકશનો ૧૧ બેંક એકાઉન્ટમાં કર્યાનો ખુલાસો ક્રાઈમબ્રાંચની તપાસમાં થતાં ચાર જણા સામે ગુનો દાખલ થયો હતો.
પોલીસના આ ખુલાસા બાદ આર.આર. આણી મંડળી સાથે સંકળાયેલા સ્થાનિક બૂકીઓ અને પંટરો ક્રાઈમબ્રાંચના ડરથી ભુગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં સંડોવાયેલા આશીક, કર્મેશ અને હરીકેશના બેંક ખાતા ઉપરાંત આર.આર.ની નજીકના લોકોના બેંક એકાઉન્ટની તપાસ કરી કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેકશન ધ્યાને આવશે તો ક્રાઈમબ્રાંચ જે તે ખાતાધારકની પૂછપરછ કરશે. એવી વિગત જાણવા મળી રહી છે. આશીક, કર્મેશ અને હરીકેશના બેંક ખાતા અને આર.આર. સાથે નજીકના લોકોના બેંક એકાઉન્ટની પોલીસ તપાસ કરશે ત્યારે વધુ ચોકાવનારી વિગતો બહાર આવશે. ક્રાઈમબ્રાંચના પીએસઆઈ કે.કે.ચૌહાણે જાતે ફરિયાદી બનીને તાજેતરમા ગુરૂવારે રાત્રે રાકેશ પ્રતાપભાઈ રાજદેવ ઉર્ફ આર.આર., આશીક ઉર્ફ રવિ હસમુખભાઈ પટેલ, કર્મેશ કિરીટભાઈ પટેલ, ખન્ના અને હરીકેશ પ્રણવકુમાર પટેલ વિરૂદ્ધ આઈપીસીની કલમ ૪૦૬,૪૨૦,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦ (બી)હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે મુજબ આરોપીઓએ બેંકમાં સારી ઓળખાણ હોવાનું અને લોન અપાવવાનું કહી કેટલાક લોકો પાસેથી ડોક્યુમેન્ટ લઈને તેઓના નામની બોગસ સહીઓ કરી બેંક ખાતા ખોલાવ્યા હતા. આ એકાઉન્ટોનો ઉપયોગ ક્રિકેટ સટ્ટાના રૂપિયાની હેરાફેરી માટે થયાની ચોકાવનારી વિગતો સપાટી પર આવી હતી. આકાશ ઓઝા નામના વ્યક્તિ સાથે આરોપીઓએ આ રીતે ઠગાઈ કરી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આકાશ નામના બેંક એકાઉન્ટમાં આરોપીઓએ ૧૭૦ કરોડની રકમની હેરાફેરી કરી હતી. આ રીતે આરોપીઓ દ્વારા ઓપરેટ થતાં ૧૧ બેંક એકાઉન્ટોમાં ૭૪૮ કરોડની ક્રેડીટ અને ૬૬૫ કરોડની ડેબીટની એન્ટ્રીઓ થયાનું પોલીસની ફરિયાદમાં છે. આમ, આરોપીઓએ કુલ ૧૪૧૪ કરોડની રકમના ટ્રાન્ઝેકશન આ બેંક એકાઉન્ટમાં કર્યા હતા. ક્રાઈમબ્રાંચે ૧૧ બેંક એકાઉન્ટોમાં થયેલા કરોડોના વ્યવહારોની વિગતો બેંકો પાસે માંગી હતી. જેમાં ખૂબ મહત્વની બાબતો પણ સપાટી પર આવે તેમ જણાઈ રહ્યું છે.
આ બેંક એકાઉન્ટ ધારકની પુરેપુરી વિગતો, એકાઉન્ટ ખોલાવવા માટે રજૂ થયેલા ડોક્યુમેન્ટ, એકાઉન્ટ ખોલવા ભરેલા ફોર્મ તેમજ તમામ બેંક એકાઉન્ટમાં કયા ખાતામાંથી કેટલી રકમ આવી અને કયાંં કોણા ખાતામાં કેટલી રકમ ગઈ તેની વિગતો માંગવામાં આવી છે. આમ, આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરનાર તેમજ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર લેનાર તમામ વ્યક્તિઓનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થશે. જે લોકોની પૂછપરછના આધારે આરોપીઓ સાથે ક્રિકેટ સટ્ટા રેકેટમાં સંડોવાયેલા તમામ લોકોના નામો બહાર આવશે. ક્રાઈમબ્રાંચે ક્રીકેટ સટ્ટા રેકેટના બ્લેકમનીની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા વધુ બેંક એકાઉન્ટ મળી આવવાની શકયતા વ્યક્ત કરી છે. તેથી સટ્ટા અંગેની આગળની તપાસ ખૂબ મહત્વની સાબીત થશે.