Published by : Rana Kajal
- હાઇવેજામ અને અકસ્માતોને લઈ NHAI એ દ્વારા આખરે ચોકડી ખુલ્લી કરાઈ
- વડોદરાથી વાપી સુધી હાઇવેના બન્ને તરફના દબાણોનો સફાયો કરી દેવાયો
- હવે નર્મદા ચોકડી અને ઝાડેશ્વરથી વડોદરા તરફના દબાણોનો વારો
- પેટ્રોલ પંપ, હોટલો, શોરૂમોને પણ ઇન-આઉટ એન્ટ્રી એક્ઝિટ સર્વિસ રોડ તૈયાર કરાવાયા
- ટોલબુથની બન્ને તરફથી પણ લારીગલ્લા, કેબીનો અને ફેરિયાઓને સાઈડટ્રેક કરાયા

હાઇવેને ક્લિન અને સેફ રાખવા NHAI છેલ્લા કેટલાક સમયથી ડ્રાઈવ ચલાવી રહ્યું છે. ચોકડીઓ અને ટોલ ટેક્સ પર બન્ને તરફ ટ્રાફિકજામ અને અકસ્માતો નિવારવા ખાણીપીણીની હાટડીઓને સાફ કરવામાં આવી રહી છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડી ઉપર આજે શુક્રવારે બપોર બાદ ભરૂચથી સુરત જવાની લેન પર આવેલા 25 થી વધુ કેબીનો, હાટડીઓ, લારીગલ્લાનો NHAI એ ક્રેઇન, બુલડોઝરની મદદથી સફાયો બોલાવી દઈ. વાહન વ્યવહાર માટે હાઇવેને ખુલ્લો કરી દીધો હતો.

છેલ્લા ઘણાં વર્ષોથી ઝાડેશ્વર, નર્મદા ચોકડી પર હાઈવેની બન્ને બાજુ કરાયેલા દબાણો હટાવવા માટે NHAI એ નોટિસો બજાવવાની કામગીરી કરી રહ્યું હતું. પણ એકબીજા કારણોસર દબાણો સાફ થઈ શકતાં ન હતા.
વર્ષ 2023 ની શરૂઆતથી જ NHAI એ દ્વારા વડોદરાથી વાપી વલસાડ સુધી હાઈવેની બન્ને તરફ, ચોકડીઓ અને ટોલ ટેક્ષ પર લારીગલ્લા, કેબીનો સહિતના દબાણ ધારકોને હટાવવાનું શરૂ કરી દેવાયું હતું.

થોડા સમય પેહલા જ કરજણનો ભરથાણા, ભરૂચનો મુલદ અને સુરતના ટોલટેક્ષની બન્ને તરફથી ફેરિયા અને લારિધારકો સહિતને દૂર કરી દેવાયા હતા. જે બાદ પેટ્રોલ પંપ, શો રૂમ , હોટલ , ધાબા સહિતના વ્યવસાયિકોને એન્ટ્રી-એક્ઝિટ સાથે સર્વિસ રોડ આપવા નોટિસ આપી દેવાઈ હતી.
આજે ઝાડેશ્વર ચોકડી પરથી છેલ્લા 23 વર્ષથી ખાણીપીણીની લારી, ગલ્લા, કેબીનો અને હાટડીઓ ચલાવતા લોકોના દબાણો તોડી પડાયા હતા. NHAI એ તેઓને ગુરૂવારે જ જાતે જ હટી જવા આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે તેઓએ તે ન ગણકારતા શુક્રવારે બપોરે નેશનલ હાઇવે ઓથોરિટી તેને તોડવા કામે લાગી ગઈ હતી.
