Published by : Anu Shukla
- પ્રબળ ઇચ્છાશક્તિને પગલે વડોદરાની કિશોરીની સિદ્ધિ
- થોડા સમય પહેલા જે લોકો કિક બોક્સિંગ ન કરાય તેવી સલાહ આપતા હતા તેઓને ડિંકુ બોક્સરનો જડબાતોડ જવાબ
કહેવાય છે કે ધારીએ તે થાય. કંઇક મેળવવાની ઇચ્છા હોય તો આખી દુનિયા તેને મેળવવા તમારી મદદ કરે છે. આવું જ કંઇક વડોદરાની ડિંકલ ગોરખા સાથે થયું છે. કેટલાક દિવસો પહેલા લોકો તેને પગની ખોડને લઇને કિક્બોક્સિંગમા ભાગ ન લેવાની સલાહ આપતા પણ તેણે કિક્બોક્સિંગની ટુર્નામેન્ટમા ભાગ લઇ ગુજરાત ચેમ્પયનશીપ જીતી દરેક ટીકાકારોને ચૂપ કરી દીધા.
વડોદરામાં રહેતી ૧૭વર્ષની ડિંકલ ગોરખા ડિંકૂ બોક્સરના નામથી પ્રખ્યાત છે. ૨૦૦૯માં ડિંકલ જ્યારે તેની માતા સાથે યાત્રાએ ગઇ હતી ત્યારે અકસ્માતમા તેના ડાબા પગની ઘૂંટીનો ઉપરના ભાગ કચડાઇ ગયો જ્યારે તેની માતાના બંને પગ કાપવા પડ્યા. પગની ખોડ હોવાછતાં ડિકલે પાંચ વર્ષ પહેલા જ કિક્બોક્સિંગની શરૂઆત કરી, પણ લોકોએ પગની ખોડને કારણે કિક્બોક્સિંગ છોડવાની સલાહ આપી પરંતુ પોતાના પરના દ્રઢઆત્મવિશ્વાસથી ચાર મહિના પહેલા રાજ્ય ચેમ્પયનશીપ માટે અથાગ મહેનત કરી. ડિંકલે પ્રેસિડન્ટકપ લાઇટ કન્ટેક્ટ બોક્સિંગના ફાઇનલમા પોતાના પ્રતિસ્પર્ધીને હરાવી દીધો. આ સ્પર્ધામા ૧૦૦થી વધુ ખિલાડીઓએ ભાગ લીધો હતો. ડિંકલ કહે છે આ જીત તેના માટે ખૂબ મહત્વની છે. તેણે કહ્યુ કે તેને કદી વિચાર્યુ પણ ન હતુ કે તે રાજ્ય ચેમ્પયન બનશે. હવે તે રાષ્ટ્રીયસ્તર અને પછી આંતરરાષ્ટ્રીયસ્તર માટે તૈયારી કરશે.
ડિંકલના કોચ સિધ્ધાર્થ ભાલેગરે કહ્યુકે તે ખુબ મહેનતુ છે. તેને કંઇક કરવાની પહેલેથીજ ચાહત હતી જેના કારણે કઠોર પરિશ્રમ કરી તે તેના પ્રતિસ્પર્ધીઓથી સારુ પ્રદર્શન કરી શકતી. તે ખૂબજ આગળ વધશે.
ડિંકલના રાજ્ય ચેમ્પયન બનવા પર તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. તેની માતાએ કહ્યું કે મને મારી દીકરી પર ગર્વ છે. તે એક દિવસ દેશનુ નામ જરૂર રોશન કરશે.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપુત)