Published by : Vanshika Gor
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનિસે દેશમાં ભારત વિરોધી તત્વોને કાબૂમાં રાખવાની ખાતરી આપ્યાના દિવસો બાદ ખાલિસ્તાન સમર્થકોએ બ્રિસ્બેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને બંધ કરવાની ફરજ પાડી છે. ધ ઑસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ, બ્રિસ્બેનના ટારિંગા ઉપનગરમાં સ્વાન રોડ પરના ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં અશ્લીલ સૂત્રોચ્ચાર કર્યા હતા અને હિંદુઓ વિરુદ્ધ પોસ્ટરો લહેરાવ્યા હતા.
ક્વીન્સલેન્ડ પોલીસે કહ્યું કે, તે એક અનધિકૃત ટોળું હતું. હિંદુ હ્યુમન રાઇટ્સનાં ડાયરેક્ટર સારાહ એલ ગેટ્સે ધ ઓસ્ટ્રેલિયા ટુડેને જણાવ્યું હતું કે, શીખ ફોર જસ્ટિસે તેમના પ્રચાર દ્વારા તેમને નિશાન બનાવ્યા બાદ સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતીય વાણિજ્ય દૂતાવાસને આજે બંધ કરવાની ફરજ પડી હતી. ગેટ્સે કહ્યું કે, તેઓ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ હાજર છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોન અલ્બેનિસે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સંગઠનો દ્વારા સર્જાયેલી અશાંતિ અંગે ચર્ચા કરી હતી, જેમાં અલ્બેનિસે શાંતિ જાળવવા માટે તમામ પગલાં લેવાની ખાતરી આપી હતી.
ખાલિસ્તાનીઓના નિશાના પર ભારતીય સંસ્થાઓ
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ અર્ચના સિંહને સ્થળ પરથી ખાલિસ્તાની ઝંડો મળ્યો હતો. તેણે તરત જ ક્વીન્સલેન્ડ પોલીસને જાણ કરી. અર્ચના સિંહે કહ્યું કે અમને પોલીસ અને અધિકારીઓ પર પૂરો વિશ્વાસ છે. અન્ય એક પત્રકારે કહ્યું કે, અત્યાર સુધી ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયનો પર હુમલા થતા હતા, પરંતુ હવે ખાલિસ્તાની સમર્થકો ભારત સરકારની સંસ્થાઓને પણ નિશાન બનાવી રહ્યા છે.