Published by : Rana Kajal
ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે. ખેડૂતોના હિતલક્ષી નિર્ણય માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. રાઘવજી પટેલે ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્રના વારંવાર પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આયોજન કર્યું છે.