Published by : Vanshika Gor
છેલ્લા કેટલાક સમયથી બટેકા અને ડુંગળીનો જોઇએ તેટલો ભાવ મળી રહ્યો નથી. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની હતી. ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી હતી કે સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવે. જે અનુસંધાને આજે વિધાનસભામાં કૃષિમંત્રીએ લાલ ડુંગળી અને બટાટાની ખેતી કરતા ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે. જેમાં લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે 70 કરોડ અને બટેકા પકવતા ખેડૂતો માટે 20 કરોડની જાહેરાત કરી છે.
લાલ ડુંગળી માટે કૃષિમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત
વિધાનસભામાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છેકે,ચાલુ વર્ષ 2023માં લાલ ડુંગળીનું અંદાજીત 7 લાખ મે.ટનનું ઉત્પાદન થવાની શક્યતા છે. ફેબ્રુઆરી 2023માં સૌરાષ્ટ્રમાં અંદાજે લાલ ડુંગળીની 1.61 લાખ મે.ટન આવક થઇ છે. તેમજ કુલ 7 લાખ મે. ટન લાલ ડુંગળીના ઉત્પાદન સામે સૌરાષ્ટ્ર વિસ્તારની એપીએમસીમાં વેચાણ અર્થે 3.50 લાખ મે.ટન જથ્થા માટે ગત વર્ષની સહાય યોજનાના ધોરણે સહાય આપવાનો નિર્ણણ કરતા અંદાજે 70 કરોડની રકમની સહાય જાહેર કરીએ છીએ.
રાજ્ય કે દેશ બહાર નિકાસ માટેની સહાયની જાહેરાત
રાજ્ય બહાર મોકલવામાં આવતી ડુંગળી બાબતે કૃષિમંત્રીએ જણાવ્યું છેકે, રાજ્ય બહાર રોડ ટ્રાન્સપો્ટ થકી ડુંગળી મોકલવામાં આવે તો પ્રતિ મેટ્રિક ટન રૂ. 750, રેલવે મારફતે 100 ટકા અથવા પ્રતિ મેટ્રિક ટને રૂ. 1150, બેમાંથી જે ઓછું હોય તે. ઉપરાંત દેશ બહાર ડુંગળીની નિકાસ કરવા માટે ખર્ચના 25 ટકા કે 10 લાખની મર્યાદા, બેમાંથી જે ઓછું હોય તે ખેડૂતને ટ્રાન્સપોર્ટ સબસીડી આપવામાં આવશે. જે માટે પ્રથમ તબક્કે અંદાજે 2 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી અન્ય રાજ્ય કે દેશ બહાર મોકલવા માટે અંદાજે 20 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
બટાટા પકવતા ખેડૂતો માટે કરવામાં આવેલી જાહેરાત
બટાટા પકવતા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છેકે, રાજ્યના એપીએમસીમાં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. 50 અને વધુમાં વધુ ખેડૂત દીઠ 600 કટ્ટાની મર્યાદામાં આર્થિક સહાય 1 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2023 સુધીના સમયગાળામાં આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજીત 20 કરોડની સહાયની જાહેરાત કરીએ છીએ.
રાજ્ય કે દેશ બહાર નિકાસ માટેની સહાયની જાહેરાત
એવીજ રીતે અન્ય રાજ્ય કે દેશમાં બટાટાના નિકાસ માટે રોડ ટ્રાન્સપોર્ટ થકી પ્રતિ મેટ્રિક ટને રૂ. 750, રેલવે મારફતે 100 ટકા અથવા પ્રતિ મેટ્રિક ટને રૂ. 1150, બેમાંથી જે ઓછું હોય તે. ઉપરાંત દેશ બહાર ડુંગળીની નિકાસ કરવા માટે ખર્ચના 25 ટકા કે 10 લાખની મર્યાદા, બેમાંથી જે ઓછું હોય તે ખેડૂતને ટ્રાન્સપોર્ટ સબસીડી આપવામાં આવશે. ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી 30 એપ્રિલ 2023 સુધી આપવામાં આવશે. આ સહાય માટે અંદાજે 20 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
બટાકા ઉત્પાદન કરતા ખેડૂતોને 200 કરોડની સહાયની જોગવાઇ
રાજ્યમાં બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટે બટાટા સંગ્રહ કરે તો પ્રતિ કિલો 1 રૂપિયો અને એક કટ્ટા દિઠ 50 રૃપિયા અને વધારેમાં વધારે 300 ક્વીન્ટનની માર્યાદમાં ખેડૂતને સહાય આપવામાં આવશે. જે માટે રાજ્ય સરકાર દ્વારા 200 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે.