- ખોટા ગ્રૂપના બ્લડથી દર્દીનું મોત થશે તો પરિવારને 5 લાખ વળતર ચૂકવામાં આવશે
- રાજકોટના દર્દીને Bને બદલે A પોઝિટિવ બ્લડ ચઢાવાયુ હતું
બ્લડ બેન્ક અને ડોકટરની બેદરકારીને લીધે ખોટા બ્લડ ગ્રૂપનું બ્લડ ચઢાવી દેવાતા એક દર્દીનું મોત નીપજ્યું હતું. વળતર માટે કરાયેલા કેસમાં ગ્રાહક કોર્ટે રૂ.5 લાખ દંડ 7 ટકા વ્યાજ સાથે 2017ની અસરથી યુવાનના પિતા અને પત્નીને ચૂકવવા આદેશ કર્યો છે. ગ્રાહક તકરાર નિવારણ કમિશનના જ્યુડિશિયલ મેમ્બર એમ.જે મહેતા અને મેમ્બર પ્રીતિ શાહે ચુકાદો આપતા અવલોકન કર્યુ હતુ કે, બ્લડ ટ્રાન્સફયુઝન માટે દર્દીની મંજૂરી લઇને તે સેમ્પલ લેબોરેટરીના ટ્રેઇન સ્ટાફ દ્વારા મેચ કરવામાં ચૂક થઈ છે.

બ્લડ ટ્રાન્સફયુઝન દરમ્યાન દર્દીનું બ્લડ ગ્રૂપ મેચ કરવામા આવ્યું નથી. લેબોરેટરી, તબીબોને દંડ ઉપરાત 10 હજાર માનસિક ત્રાસ અને 5 હજાર કાનૂની ખર્ચ ચૂકવવા પણ આદેશ કર્યો છે. રાજકોટના પ્રફૂલ્લભાઈ ટાંકને કીડનીની બીમારીથી દાખલ કરાયા હતા. બે તબીબો ડો. સંજય પંડ્યા અને ડો.વિરલ ગજપરાએ કરેલા ટેસ્ટમાં દર્દીનું બ્લડ ગ્રૂપ બી પોઝિટિવ હોવાનું દર્શાવ્યું હતું.
ગ્રાહક કોર્ટની બેન્ચે એવું અવલોકન કર્યું હતું કે, આ કિસ્સામાં ગંભીર માનવીય ક્ષતિ જવાબદાર છે. લેબોરેટરી અને તબીબો માટે બ્લડ ટ્રાન્સફયુઝન અંગે કાયદા બનાવ્યા તેનું પાલન કરવામાં ચૂક થઈ છે. ડીજિટલાઇઝ સિસ્ટમ બનાવવા અને કડક માર્ગદર્શિકાનું પાલન થવું જોઇએ.