- તપાસ દરમિયાન કરોડોના બોગસ વ્યવહાર સામે આવ્યા
- વિપુલ ચૌધરીની ધરપકડના પગલે મહેસાણામાં રાજકારણ ગરમાયુ
- વિપુલ ચૌધરીના પુત્રની પણ ખુલી શકે છે સંડોવણી
વિધાનસભાની ચૂંટણીના સમયે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની નાણાકીય ગેરરીતિ મામલે ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી છે.
દૂધસાગર ડેરીમાં રૂપિયા 320 કરોડના બોગસ વ્યવહાર મામલે કેટલાક સમયથી સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. તપાસ દરમ્યાન અનેક ગોટાળાઓ સામે આવ્યા છે. તેમજ બોગસ કંપનીઓ બનાવીને નાણાકીય ગેરરીતિ આચર્યા હોવા અંગે વિપુલ ચૌધરી વિરુદ્ધ મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવી રૂ. 320 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે આ ફરિયાદ બાદ મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત એમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે. અને તેમના CAની પણ ધરપકડ કરાઈ છે. જોકે વિપુલ ચૌધરીના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે.
જોકે હવે વિપુલ ચૌધરીની ધરપકડના પગલે મહેસાણામાં રાજકારણ ગરમાયુ છે. નાણાંકીય ગોટાળામાં વિપુલ ચૌધરીની ધરપકડ થતા રાજકીય સમીકરણ બદલાયું. મહત્વનું છે કે, અર્બુદા સેના બનાવી વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જોવું રહ્યું. અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે. આથી, ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલો ફેર પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.