- ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠાના ગામોને કરાયા સાબદા
- પાંચ ગેટમાંથી નદીમાં ઠલવાતું 10 હજાર અને પાવરહાઉસનું મળી કુલ 55 હજાર ક્યુસેક પાણી
- ગોલ્ડનબ્રિજે નર્મદાની સપાટી 13 ફૂટે, ડેમની સપાટી 133.77 મીટરે સ્પર્શી
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સોરવર નર્મદા ડેમના 5 દરવાજા 0.30 મીટરથી મૌસમમાં પેહલી વખત ખોલાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.
બે વર્ષ બાદ નર્મદા ડેમ 80 ટકા ઉપર ભરાતા અને સપાટી 133.77 મીટરને વટાવી જતા શુક્રવારે બપોરે 12 કલાકે ગેટ ખોલાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં અઢી લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.ડેમના દરવાજા ખોલાતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી કાંઠે ન જવા સૂચના અપાઈ છે.ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, હાંસોટ અને વાગરા તાલુકાના કાંઠાના ગોમોને સાવચેત કરી માછીમારોને નદીમાં ન જવા સૂચન કરાયું છે.નર્મદા ડેમમાં પાંચ ગેટ થકી 10 હજાર ક્યુસેક અને રીવર બેડ પાવર હાઉસ દ્વારા 45 હજાર ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું હોય ભરૂચ ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી વધીને 13 ફૂટે પોહચી છે. કેનાલ હેડ પાવર હાઉસના 5 ટર્બાઇનો દ્વારા મુખ્ય કેનાલમાં 15 હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે.