- અભિનેતા અજય દેવગણ ખાસ ઉપસ્થિત રહ્યા…
આજે તા.૧૦ સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બૉલીવુડ અભિનેતા અજય દેવગણની ઉપસ્થિતિમાં ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટિક ફિલ્મ પોલિસી-2022નું અમદાવાદમાં લોન્ચિંગ કરાયું હતું. ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટમાં આ સિનેમેટિક ફિલ્મ પોલિસી મહત્વપૂર્ણ બનશે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટિંગ સ્કૂલ સહિતના 1022 કરોડના MOU કરાયા છે. જેમાં અજય દેવગણે પણ ફિલ્મ મેકીંગ અને સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગ દર્શનમા દેશનું વિકાસ મોડલ બન્યું છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિશ્વના રોકાણકારો, વ્યસાયકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે. આત્મ નિર્ભર ગુજરાતના નિર્માણથી આત્મ નિર્ભર ભારત માટે આ પોલિસી ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી દ્વારા વ્યક્ત કરાયો હતો.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી તેમજ ફિલ્મ અને તખ્તાના સુપ્રસિદ્ધ કલાકાર પદ્મશ્રી મનોજ જોષી, હિતુ કનોડિયા સહિત ચલચિત્ર જગત સાથે સંકળાયેલા ગણમાન્ય આમંત્રિતો હાજર રહ્યા હતા. આ અવસરે સિનેમેટિક ટુરિઝમ પોલિસીની જાણકારી આપતી શોર્ટફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. ટુરિઝમ વિભાગના કમિશનર અને MD આલોક કુમાર પાંડેએ ઉપસ્થિત મહાનુભાવો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોનો કાર્યક્રમમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.