Published By : Parul Patel
ભારતીય રેલ્વે સતત પ્રગતિના સોપાન સર કરી રહી છે. મુસાફરોની સંખ્યા તેમજ માલસામાનની હેરાફેરી પણ વધી છે ત્યારે વધુ ઝડપ અને સુરક્ષા તેમજ સલામતીના ધ્યેય સાથે રેલ્વે ખૂબ પ્રગતી કરી રહી છે. એશિયાનો સૌથી મોટો, આધુનિક અને ‘સ્ટેટ ઓફ ધ આર્ટ ગૂડ્સ ટ્રેન રેલ્વે કંટ્રોલરૂમ’ કે જેના પર માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશ ગર્વ લઇ શકે તેવો કમાન્ડ કંટ્રોલ રૂમ અમદાવાદમાં શરૂ થયો છે. જે નોધપાત્ર બાબત છે.

આ કન્ટ્રોલ રૂમની વિશેષતા એ છે કે આ કંટ્રોલ રૂમ ખાસ ભારતીય માલસામાન ટ્રેન માટે બનાવવામાં આવ્યો છે. અગાઉ ભારતીય માલવાહક ટ્રેન ખૂબ જ ધીમી ગતિએ દોડતી હતી, પરંતુ ભારત સરકાર દ્વારા ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર બનાવ્યા પછી માલવાહક ટ્રેન વધુ ઝડપે દોડી રહી છે. વેસ્ટર્ન કોરિડોર કુલ 1506 કિ.મી.નો છે. અગાઉ માલસામાન ટ્રેન 20-25 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી, હવે તે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. હવે ડબલ સ્ટેક કન્ટેનર લગાવવામાં આવશે રેલવે આગામી 3 વર્ષમાં 1.50 લાખ કન્ટેનર ખરીદશે, હાલમાં 3 લાખ કન્ટેનર છે. ખાસ રેલ્વે ટ્રેક માટે 11000 હેક્ટરથી વધુ જમીન પણ સંપાદિત કરવામાં આવી હતી. ખાસ રેલ્વે ટ્રેક માટે DFC ને 1.24 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે, અને અત્યાર સુધીમાં તેમાંથી 1 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે ડીએફસીસીઆઈએલના ડાયરેક્ટર (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) હરિ મોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, “રેલવેની કુલ આવકમાં ગુડ્ઝ ટ્રેનનો હિસ્સો 70% છે”. ભારતનો ઈ-કોમર્સ કાર્ગો પણ ટૂંક સમયમાં ડીએફસીસી દ્વારા ભારતીય રેલ્વે સાથે જોડવામાં આવશે. અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં 70 મીટરની વિડિયો વોલ છે જે માલસામાનની ટ્રેનોની હિલચાલ પર નજર રાખશે.

પશ્ચિમ ભારતમાં અમદાવાદ ખાતેનો કંટ્રોલ રૂમ પછીથી ઈસ્ટર્ન ઈન્ડિયા કંટ્રોલ કમાન્ડ સેન્ટર સાથે જોડવામાં આવશે. કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત છે. આ કંટ્રોલ રૂમથી જ ઇલેક્ટ્રિકલ, રેલ્વે, એન્જિનિયરો સહિત તમામ અહીંથી નિયંત્રણો કરવામાં આવે છે. ભારતમાં ડેડિકેટેડ રેલ કોરિડોરને કારણે હવે લોજિસ્ટિક્સની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે. ટ્રક ઓન ટ્રેક સુવિધા પણ ટૂંક સમયમાં શરૂ થશે. DFCCIL કન્ટેનર કોર્પોરેશન સાથે મળીને વડોદરા, સાણંદ, દિલ્હી ખાતે મલ્ટી લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપશે. આગામી પાંચ વર્ષમાં રેલ્વે માલસામાન 1500 મિલિયન ટનથી વધીને 3000 મિલિયન ટન થશે.