Published by : Vanshika Gor
- કેનેડાના બિઝનેસમેન હેમંત શાહ ભારત અને કેનેડાના સંબંધો દર્શાવતી ગુજરાતી ફિલ્મ બનાવશે.અમદાવાદના વિવિધ વિસ્તારો મા અને કેનેડામાં થશે શૂટિંગ સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓએ પોતાની આગવી આવડતના પગલે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
જેમકે ટૂંક સમયમાં કેનેડાના થિયેટરોમાં એક ગુજરાતી ફિલ્મ રિલિઝ થશે., મૂળ ગુજરાતી અને કેનેડામાં પાંચ દાયકાથી વસતા હેમંતભાઈ શાહે અનોખું બીડું ઝડપ્યું છે. ભારત અને કેનેડાના સંબંધો પર એક ગુજરાતી ફિલ્મ બનાવવી. આ નાના પાયાનું કામ નથી. તે મોટાપાયે આખો પ્રોજેક્ટ કરી રહ્યા છે અને તેમણે કેનેડામાં H & H sons international INC નામથી પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. તેની એક ઓફિસ મુંબઈમાં પણ કાર્યરત છે. કેનેડામાં ગુજરાતીઓ અને પંજાબીઓની સંખ્યા વિશાળ છે. કેનેડામાં રહેતા પંજાબીઓ ત્યાં પંજાબી ફિલ્મો બનાવે છે અને પ્રોડ્કશન કરીને રિલિઝ કરે છે. વર્ષે 15 કે 16 પંજાબી ફિલ્મો કેનેડામાં રિલિઝ થાય છે. હેમંત શાહને વિચાર આવ્યો કે ગુજરાતીમાં કેમ રિલિઝ ન થઈ શકે? પંજાબીઓ પોતાની ફિલ્મો માટે મહેનત કરતા હોય તો ગુજરાતી તરીકે માતૃભાષામાં ફિલ્મ બનાવીને વિદેશમાં કેમ રિલિઝ ન કરી શકાય? આ જ વિચારથી હેમંત શાહે પોતાના નામનો H અને પત્ની હીનાના નામનો H એમ મળીને H & H sons international INC પ્રોડક્શન હાઉસ તૈયાર કર્યું. અને કામની શરુઆત કરી .કેનેડામાં મિસ્ટર ઇન્ડિયાના હુલામણા નામથી જાણીતા હેમંત શાહે મૂળ કેનેડિયન લોકોને ગુજરાતી સંસ્કૃતિ સાથે અવગત કરાવવા જોઈએ એવો વિચાર કર્યો અને આ માટે ફિલ્મથી શ્રેષ્ઠ માધ્યમ ન હોઈ શકે તેવું પણ તેમને લાગ્યું. હેમંતભાઈએ કેનેડામાં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું અને આ બેનર હેઠળ હવે તે અનોખી, જકડી રાખે એવી સ્ટોરી સાથે ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું 60% શૂટિંગ અમદાવાદમાં થશે અને 40% કેનેડામાં શૂટિંગ થશે. ફિલ્મ કેનેડા અને ભારતના કેટલાક શહેરોમાં રિલીઝ થવાની છે. જૉકે ફિલ્મના ટાઇટલ અંગે હજી વિચારણા ચાલી રહી છે. હેમંત શાહનો પરીચય જોતા ગુજરાતના મૂળ કચ્છના અબડાસા તાલુકાના વરડિયા ગામના વતની હેમંત શાહ 50 વર્ષથી કેનેડામાં વસવાટ કરે છે. 1972માં કેનેડા ગયા અને ત્યારથી જ ત્યાં સ્થાયી થયા છે. ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ અને કેનેડા વચ્ચે એ હંમેશા સેતુ બનીને રહ્યા છે. ત્યાં કેનેડા-ઇન્ડિયા ટ્રેડ અને ગુજરાત-ઇન્ડિયા ટ્રેડમાં તેમણે કામ કરેલું છે. તે વખતે ભારતમાં ઇમ્પોર્ટ લાયસન્સ રાજ હતું. હેમંત શાહ ઈન્ટરનેશનલ ટ્રેડમાં 45 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ ભારતથી કેનેડાના વિનિપેગ જઈને વસ્યા હતા. તેઓ કેનેડા-ભારત ટ્રેડ રિલેશન એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર છે. હેમંતભાઈ શાહે તાજેતરમાં કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોને એક પત્ર લખ્યો હતો. તેમાં લખ્યું કે કેનેડા સમાનતાની ભાવનામાં માને છે તો અત્યારે સમય છે કે આ ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવે. સમાનતાની ભાવના, એકતાની ભાવના સાથે આસાનીથી આગળ વધી શકાશે.
મેનિટોબા એક્સપોર્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ એશિયન
હેમંત શાહની કારકિર્દી 1979માં શરૂ થઈ. તેમણે કેનેડામાં ટ્રેડ કમિશન સર્વિસ ડિપાર્ટમેન્ટ ઑફ એક્સટર્નલ અફેર્સ સાથે કામ કર્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે 1980માં તેઓ કેનેડા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ નામની સંસ્થામાં બોર્ડ ઓફ ડિરેક્ટર બન્યા હતા. તે સમયે કેનેડા-ભારત સંબંધો માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. 1990 તેમના માટે ટર્નિંગ પોઈન્ટ હતું. તે જ વર્ષે, તેઓ મેનિટોબા એક્સપોર્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ એશિયન બન્યા.
થિયેટર અને અભિનયના શોખીન હેમંત શાહ નાનપણથી શાળામાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા અને ગુજરાતી નાટકોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, થિયેટર હંમેશા હૃદયમાં હતું અને હવે મારી પાસે તે કરવાની સારી તક છે, ફિલ્મો અને સિરિયલો ઉપરાંત, હું “રંગ મંચ” સાથે સંકળાયેલ હોવાથી નાટક કરવા માટે ખૂબ જ ઉત્સુક છું. તેમણે કેનેડામાં રહીને પણ ઘણા નાટકો કર્યા છે. આ સાથે તે રશિયન, યુક્રેનિયન, ફ્રેન્ચ, અરબી વગેરે જેવી 14-15 વિદેશી ભાષાઓ બોલી શકે છે.