ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર ધંધાને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સીએનજી ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.
CNGનો ભાવ વધીને 85.89 રૂપિયા થયો
આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. CNGનો ભાવ 83.90 રૂપિયા હતો તે વધીને 85.89 રૂપિયા રહેશે. સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
પેટ્રોલ- ડીઝલ અને LPGમાં ભાવ વધારાને કારણે મોંઘવારીનો ડંખ વધુ ઘાતક બન્યો છે. CNGના ભાવ વધારાને કારણે તેની અસર અન્ય ચીજવસ્તુઓ પર પણ જલ્દી દેખાશે તેવી અટકળો વધી રહી છે. શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે. આ મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે,પાંચ રાજ્યોની ચૂંટણી પછી સામાન્ય જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.