Published By : Aarti Machhi
દિવાળીના પર્વ દરમિયાન આગ અને અકસ્માતના બનાવો બને છે. જેમાં મારામારી અને દાઝી જવાના કેસો વધુ નોંધાતા હોય છે. રાજ્યમાં દિવાળીના દિવસે ફટાકડામાં દાઝી જવાના કારણે 30 જેટલા બનાવો નોંધાયા છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ આઠ લોકો દાજ્યા છે જેમને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 46 જેટલા દાઝી જવાના કેસો નોંધાયા છે. રામોલના મદનીનગરમાં છ વર્ષની બાળકી ફટાકડા ફોડતા મોઢાના ભાગે દાઝી ગઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સામાન્ય દિવસો કરતા દિવાળીના પર્વ દરમિયાન બે દિવસમાં મારામારીના કેસોમાં 100 ટકા અને દાઝી જવાના કેસોમાં 400 ટકાનો વધારો નોંધાયો છે. દિવાળીના દિવસે દાઝી જવાના કેસોમાં રાજકોટ-નર્મદા- કચ્છમાં ત્રણ- ત્રણ, સુરત, ગાંધીનગર, ભરૂચ, ખેડા, ભાવનગરમાં બે- બે અને છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. જ્યારે મારામારીના 257 જેટલા કેસો નોંધાયા હતા જેમાં સૌથી વધારે 54 જેટલા કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. પડી જવાના 188 કેસો જ્યારે ટ્રોમા વિહિકલના 658 જેટલા કેસો નોંધાયા હતા.
108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબરાજ્યમાં છેલ્લા બે દિવસમાં દાઝી જવાના કેસોમાં 23 ઓક્ટોબરના રોજ 16 અને 24 ઓક્ટોમ્બરના રોજ 30 એમ કુલ 46 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદના રામોલ, વટવા અને સીટીએમ એક્સપ્રેસ રોડ વગેરે વિસ્તારમાં કેસો નોંધાયા છે જેમાં રામોલ વિસ્તારમાં છ વર્ષની બાળકી ફટાકડા ફોડતા દાઝી ગઈ હતી. જ્યારે વટવા વિસ્તારમાં 25 વર્ષની મહિલાને ફટાકડા ફોડતા હાથમાં ઇજા થઈ હતી. એક્સપ્રેસ વે સીટીએમ રોડ ઉપર 65 વર્ષીય વૃદ્ધને ફટાકડા ફોડતા માથામાં ઇજા થઈ હતી અને લોહી નીકળ્યું હતું જેના કારણે સારવાર માટે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ દિવાળીના દિવસે અમદાવાદમાં આઠ લોકો દાઝી ગયા હતા જેવો ને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.