Home News Update My Gujarat ગુજરાતમાં યોજાતા 1521 મેળામાં 280 આદિવાસી મેળામાં પાંડોરી માતાનો પાંચ દિવસીય મેળો...

ગુજરાતમાં યોજાતા 1521 મેળામાં 280 આદિવાસી મેળામાં પાંડોરી માતાનો પાંચ દિવસીય મેળો વિશેષ

0

Published By : Anu Shukla

  • આદિવાસી સમાજનુ પવિત્ર યાત્રાધામ દેવમોગરા માતાજીના મેળામાં ઉમટ્યા 15 લાખ માઇ ભક્તો
  • નર્મદા જિલ્લાની ભૂમિ ઉપર અલૌકિક દેવમોગરામાં આદિવાસી સંસ્કૃતિના અદભૂત ધર્મદર્શન
  • દેવમોગરાથી આદિવાસીઓના ઉત્સવો-લોકમેળાઓનો શુભારંભ
  • મહાશિવરાત્રીથી શરૂ થતાં મેળાના પાંચ દિવસ આદિવાસી શ્રદ્ધાળુઓ માટે ખાસ રહ્યા

ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે, જ્યાં જુદા-જુદા ધર્મો, બોલી-ભાષા, પોશાક, ખોરાક, રિવાજો સહિત તહેવારોમાં પણ ભિન્નતા જોવા મળે છે. ભિન્નતાઓ હોવા છતા લોકોમાં પ્રેમ, સન્માન, ત્યાગ અને બલિદાનની ભાવના અને ભાવાત્મક એકતા જોવા મળે છે. આ જ એકતા આપણી સંસ્કૃતિની ઓળખ છે. ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.

લોકોમાં સાંસ્કૃતિક એકતા પણ જોવા મળે છે, આ એકતાના મૂળ લોકઉત્સવો અને લોકમેળાઓમાં છે. ગુજરાતમાં પણ ઉત્સવો અને લોકમેળાઓની દબદબાભેર ઉજવણી થાય છે, આવા મેળાઓ અને ઉત્સવોમાં મનુષ્ય આનંદ વહેંચે છે. લોકોના જીવનમાં આનંદ, ઉલ્લાસ અને ચેતનાના રંગછાંટણા નાખી લોકહૈયાને હિલોળે ચડાવનાર તમામ મેળાઓ સદાયે મોખરે રહ્યાં છે.

અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતુ નર્મદા જિલ્લાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU, આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ વિશ્વફલક પર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. પરંતુ નર્મદા જિલ્લાની આ ભૂમિ અદભૂત અને અલૌકિક પણ છે. આ ભૂમિ લોકોની આસ્થા સાથે જોડાયેલી છે. આદિવાસી સંસ્કૃતિ, કલા, રીતરિવાજો અને પરંપરાઓએ પોતાની આગવી ઓળખ બનાવી છે. ગુજરાતમાં કુલ 1521 મેળાઓ ભરાય છે, જેમાં કુલ 280 આદિવાસી મેળાઓ ભરાય છે. પરંતુ દેવમોગરા ખાતે યોજાતા પાંડોરી માતાનો મેળો વધુ વિશેષ અને લોકપ્રિય છે.

સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા, જેઓ યાહા મોગી તરીકે પણ ઓળખાય છે. તેમના સાનિધ્યમાં દર વર્ષે 5 દિવસ માટે આ મેળો મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાય છે. મહાશિવરાત્રી એટલે શિવને ભજવાનો મહા અવસર. પરંતુ આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે. સંપૂર્ણ ભારતવર્ષમાં માત્ર દેવમોગરા મેળામાં ભગવાન શિવની નહીં પરંતુ શક્તિની પુજા થાય છે.

દેવમોગરાની પાવન ભૂમિ પર ચાલુ વર્ષે 18 થી 12 ફેબ્રુઆરી દરમિયાન આ મેળામાં ગુજરાતના વિવિધ શહેરો-ગામો સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી અંદાજિત 15 લાખ કરતા વધુ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ યાહા મોગી, મા પાંડોરીના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવી છે.

બોક્સ : અનોખા આદિવાસી, અનોખી માન્યતા

દેવમોગરાનો મેળો એક પવિત્ર યાત્રા છે, પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે. શ્રદ્ધાળુ ભક્તો પોતાના દુ:ખ, સમસ્યાઓ દુર કરવા શક્તિની આરાધના સમા પાંડોરી માતાની બાધા રાખે છે અને માતાજી તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રદ્ધાળુઓ નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનેલી ટોપલીમાં નવું ઉગેલું અનાજ સહીત માનેલ માન્યતા આધારિત ચીજ-વસ્તુઓ લાવી પરંપરાગત પૂજા-અર્ચના કરે છે. માતાજીના ચરણોમાંથી નૈવેદ્ય સ્વરૂપે ધન, ધાન્ય અર્પણ કરવામાં આવે છે. આદિવાસીઓની અનોખી માન્યતા પ્રમાણે યાહા મોગી માતાને ધાન્ય પ્રસાદરૂપે લઈ જઈ ખેતરમાં વાવી તથા અનાજના કોઠારમાં રાખે છે. આમ, કરવાથી બારે માસ અનાજ ખુટતુ નથી એવી આદિવાસીઓની અનોખી માન્યતા છે.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ રેન્ક સહિત પોલીસ વિભાગ સાથે સંકળાયેલા નર્મદા પોલીસના અંદાજે 650 જેટલા જવાનો અને 400 સ્વયંસેવકોએ ખડેપગે ફરજ અદા કરી હતી. શ્રદ્ધાળુઓના આગમન સાથે મનોરંજન અને દુકાનોની હારમાળાઓથી મેળા઼માં રંગત જામી છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમ, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, ફાયર બ્રિગેડ સહિત સ્વયંસેવકો શ્રદ્ધાળુઓ માટે કાર્યરત રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version