Published by : Vanshika Gor
ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ વર્તાઈ રહ્યા છે, રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ઉપર ચઢી રહ્યા છે અને તેની વચ્ચે આકરી ગરમી પડવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની વકી છે. વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીમાં ઘટાડો થયો હતો પરંતુ ફરી એકવાર મહત્તમ તાપમાનનો આંકડો 38 પર પહોંચી ગયો છે.
આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે તાપમાનનો પારો માર્ચના મધ્ય સુધીમાં 40 પર પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ સાથે તારીખ 13થી 15 દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપમાન વધતા હીટવેવનો પણ સામનો કરવો પડી શકે છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, કચ્છ, પોરબંદર, ગીર-સોમનાથમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની વેબસાઈટ પ્રમાણે તારીખ 13મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠાની આગાહી છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં વરસાદની આગાહી છે.
તારીખ 14મી માર્ચે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 13 અને 14 માર્ચ દરમિયાન ઉપરના જિલ્લાઓમાં 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.