- જાગૃતિ વધતાં અંગદાનના પ્રમાણમાં સતત વધારો
- ૭૯૪ વ્યક્તિનું જીવન દરમિયાન-૨૦૯૭નું મૃત્યુ બાદ અંગદાન : સૌથી વધુ અંગદાનમાં દિલ્હી મોખરે
રક્તદાન અને અંગદાન એવા દાન છે જેના દ્વારા અનેકના જીવનમાં નવા પ્રાણ ફૂંકાય છે. આ જ કારણે અંગદાન અને રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. ગુજરાતમાં પણ હવે અંગદાન કરવા અંગેની જાગૃતિ સતત વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૨૮૯૧ વ્યક્તિ દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે. સૌથી વધુ અંગદાન કરવાને મામલે દિલ્હી મોખરે જ્યારે ગુજરાત નવમાં સ્થાને છે.
ગુજરાતમાંથી ૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન ૭૯૪ વ્યક્તિએ જીવન દરમિયાન અને ૨૦૯૭ વ્યક્તિએ મૃત્યુ બાદ અંગદાન કરેલું છે. મૃત્યુ બાદ સૌથી વધુ ૬૪૭ અંગદાન ૨૦૧૯માં અને ૬૦૦ અંગદાન નોંધાયા હતા. ૨૦૨૦માં કોરોનાને પગલે અંગદાનનની ગતિમાં ઘટાડો નોંધાયો હતો અને એ વખતે જીવન દરમિયાન ૧૦૩ વ્યક્તિએ-મૃત્યુ બાદ ૩૪૫ વ્યક્તિએ અંગદાન કર્યું હતું. જીવન દરમિયાન અંગદાનનના મોટભાગના કિસ્સા માતા-પિતા-સંતાન, પતિ-પત્નીમાં જોવા મળતું હોય છે. જાણકારોના મતે, ૨૦૨૨માં અંગદાનને મામલે ગુજરાત નવા રેકોર્ડ બનાવે તેવી પૂરી સંભાવના છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે જ આ વર્ષે અત્યારસુધી ૯૫ અંગદાન નોંધાઇ ચૂક્યા છે. જેના દ્વારા ૨૯૮ અંગોનું દાન મળ્યું છે અને ૨૭૭ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે. તબીબોના મતે અંગદાન માટે પરિવારજનોનું કાઉન્સેલિંગ મહત્વનો ભાગ ભજવે છે.
છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ અંગદાનમાં દિલ્હી મોખરે, તામિલનાડુ બીજા, મહારાષ્ટ્ર ત્રીજા, તેલંગાણા ચોથા અને પશ્ચિમ બંગાળ પાંચમાં સ્થાને છે. તામિલનાડુમાંથી ૮૪૦૭ અને મહારાષ્ટ્રમાંથી ૫૭૨૧ દ્વારા અંગદાન કરવામાં આવેલું છે. જોકે, સમગ્ર દેશમાં જાગૃતિના અભાવે તેમજ અંગદાન માટે અપૂરતી વ્યવસ્થાને લીધે અંગદાનનું પ્રમાણ સાધારણ છે. આંદમાન નિકોબાર, દાદરા નગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વિપ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરામાં એક પણ અંગદાન થઇ શક્યું નથી. મોટા રાજ્યોમાં બિહારમાંથી માત્ર ૯૫, ગોવામાંથી ૨૨, હિમાચલ પ્રદેશમાંથી ૫, જમ્મુ કાશ્મીરમાંથી ૬૧, ઉત્તરાખંડમાંથી માત્ર ૯ અંગદાન નોંધાયા છે.