મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિવેદનથી વિવાદ વકર્યો છે. એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રાજ્યપાલે કહ્યું કે જો મુંબઈ-થાણેથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢી મૂકીશું તો તમારો અહીં કોઈ રૂપિયો નહીં બચે. આ જે આર્થિક પાટનગર છે એ પછી આર્થિક પાટનગર કહેવાશે જ નહીં.
શિવસેનાએ રાજ્યપાલના નિવેદનને મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું
હવે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. શિવસેનાએ રાજ્યપાલના નિવેદનને મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે. નિવેદનનો હવે શિવસેનાના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટર પર લખ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ પ્રાયોજિત મુખ્યમંત્રી આવવાથી મરાઠી લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થવાનું શરૂ થઈ ગયું છે. સ્વાભિમાન અને અભિમાનના નામે બનેલી શિવસેનામાંથી નીકળનારા લોકો આ સાંભળીને પણ ચૂપ છે તો હવે સીએમ શિંદે કદી શિવસેનાનું નામ ના લે. રાજ્યપાલનો વિરોધ તો કરવો જોઈએ.
રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યપાલનું નિવેદન આઘાતજનક અને નંદનીય છે. રાજ્યના લોકોએ તેમની મહેનતથી મહારાષ્ટ્ર બનાવવા માટે લોહી-પાણી એક કર્યું છે. 105 લોકોએ બલિદાન આપ્યું અને ઘણા લોકો જેલ ગયા છે. રાજ્યપાલ મહારાષ્ટ્રનો ઈતિહાસ નથી જાણતા. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ નિવેદન વખોડવું જોઈએ અને કેન્દ્રને રાજ્યપાલ હટાવવાની માગણી કરવી જોઈએ. આ સાવિત્રીબાઈ ફૂલે અને શિવાજીનું અપમાન છે. આ નિવેદનથી આખા મહારાષ્ટ્રને ગુસ્સો આવ્યો છે.
શિંદે જૂથે પણ નિવેદન વખોડ્યું
શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું હતું કે તેઓ રાજ્યપાલ સામે કેન્દ્ર સરકારમાં ફરિયાદ નોંધાવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે રાજ્યપાલના નિવેદનથી રાજ્યનું અપમાન થયું છે. રાજ્યપાલ એક બંધારણીય પદ છે, તેથી કેન્દ્ર સરકારે દખલગીરી દેવી જોઈએ કે કોશ્યારી તરફથી આ પ્રમાણેના નિવેદન ના થવા જોઈએ. મુંબઈના નિર્માણમાં દરેક જૂથની ભાગીદારી છે. એૉમાં મરાઠી લોકોનો પણ ખૂબ મોટો હિસ્સો છે. મુંબઈના ઔદ્યોગિક વિકાસમાં પારસી સમુદાયનું પણ ખૂબ મોટું યોગદાન છે.
કોંગ્રેસે પણ નિવેદન વખોડ્યું
બીજી બાજુ, કોંગ્રેસ-પ્રવક્તા સચિન સાવંતે પણ કહ્યું હતું કે આ ભયાનક વાત કહેવાય કે રાજ્યના રાજ્યપાલ જ રાજ્યના લોકોને બદનામ કરી રહ્યા છે. તેમના રાજ્યપાલ રહેવાથી મહારાષ્ટ્રની રાજનીતિની પરંપરાનું પતન થયું છે અને મહારાષ્ટ્રનું પણ સતત અપમાન કરવામાં આવી રહ્યું છે.