- અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન અટકાવી
- હંગામાને પગલે ૧ કલાક ટ્રેન મોડી પડી
અમદાવાદથી મુંબઈ જઇ રહેલ ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનના સી-1 નંબરના કોચમાં AC બંધ થઈ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો જેના પગલે ટ્રેન 1 કલાક જેટલી મોડી પડી હતી
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક તાજેતરમાં જ ઓવર હેડ કેબલ તૂટી પડતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી હતી. અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન નંબર 22954ના કોચ નંબર સી-1 માં AC બંધ થઈ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ટ્રેન થંભાવી દીધી હતી અને લગભગ 15 મિનિટ સુધી વિરોધ વ્યક્ત કર્યો હતો જેના પગલે રેલ્વે પોલીસ અને અધિકારીઓ દોડતા થયા હતા. અધિકારીઓએ મુસાફરોને સમજાવી ટ્રેન આગળ રવાના કરી હતી જો કે સુરત રેલ્વે સ્ટેશન સુધી AC ચાલુ ન થતાં ફરી ટ્રેન થોભાવી દેવામાં આવી હતી જ્યાં રેલ્વેના અધિકારીઓએ તાત્કાલિક સમારકામ કર્યું હતું. AC બંધ થવાના કારણે થયેલ વિવાદના પગલે ટ્રેન એક કલાક જેટલી મોડી પડી હતી અને અનેક મુસાફરોએ હેરાન થવાનો વારો આવ્યો હતો.