ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે સરકાર દ્વાર મહત્વની પોલિસી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સેમી કન્ડકટર પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર થતા જ ગુજરાત ચીપ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે. આ પોલીસી અંતર્ગત ભારત સરકારની ઇન્ડિયા સેમી કન્ડકટર મિશન દ્વારા મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર આપશે. આ માટે ધોલેરા ખાતે સેમિકોન સીટી સ્થાપવામાં આવશે. 200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસીડી પણ જાહેર કરવામાં આવી છે. પહેલા 5 વર્ષમાં પ્રતિ ઘન પાણી 12 રૂપિયામાં પુરૂ પાડવામાં આવશે. સરકારની આ પોલિસીથી આગામી 5 વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે.
પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-2027”ની જાહેરાત કરવામાં આવી છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડિકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે મેળવ્યું છે. રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022થી 2027 જાહેર કરવામાં આવી છે. આ પોલિસી થકી આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે.
ગુજરાત આ નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું
તેમણે ઉમેર્યું હતું કે, સેમિકંડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના હેતુ સાથે ભારત સરકાર દ્વારા ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન( ISM)ની સ્થાપના કરવામાં આવી છે અને ભારતમાં સેમિકંડક્ટર ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટેની નીતિ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા 76 હજાર કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ભારત સરકારની આ પહેલને સમાંતર ગુજરાતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા મુખ્યમંત્રી દ્વારા સેમિકંડક્ટર નીતિ જાહેર કરવામાં આવી છે. આ પોલિસીની જાહેરાત સાથે ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે.