- અગાઉ કુલ 19 ઉમેદવારોની યાદી કરી હતી જાહેર
ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે અને પ્રતિષ્ઠાના જંગને જીતવા મુખ્ય રાજકીય પાર્ટીઓ કમર કસી રહી છે. કોંગ્રેસે ૧૫ સપ્ટેમ્બર પહેલા પોતાના ઉમેદવારોને પ્રથમ યાદી જાહેર કરવાનું ઘોષણા કરી છે, ભાજપા દ્વારા હજુ કોને ટીકીટ આપવી તેની અંદરોઅંદર જ ખેચતાણ ચાલી રહી છે તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. આજે જાહેર કરેલી યાદી સાથે આમ આદમી પાર્ટીના ૨૯ મુરતિયાઓના નામ નક્કી કરી દેવાયા છે.
આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. રાજકીય પક્ષો ચુંટણી નજીક આવતા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરતા જશે.કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ હજી સુધી ઉમેદવારોની જાહેરાત નથી કરી તો આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. અગાઉ બે યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ૧૯ ઉમેદવારોના નામ કરી કરાયા હતા આજે ત્રીજી યાદીમાં ૧૦ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.

આજે જાહેર કરાયેલી યાદીમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આમ આદમી પાર્ટીએ નર્મદા જીલ્લાની નાંદોદ બેઠક ઉપર પ્રફુલ્લ વસાવાનું નામ જાહેર કર્યું છે. પ્રફુલ્લ વસાવા અગાઉ ભારતીય ટ્રાયબલપાર્ટી બીટીપી સાથે સંકળાયેલા હતા. થોડા વર્ષો અગાઉ તેમાંથી તેઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને હવે તેઓને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાતમાં આપ અને બીટીપી સાથે મળીને ચુંટણીઓ લડનાર છે ત્યારે બીટીપીના જ હકાલપટ્ટી કરાયેલા કાર્યકરને લઇ ગણગણાટ પણ શરૂ થયો છે.