- કેટલાક કોંગ્રેસ MLA વેલમાં ધસી આવ્યા
- કોંગ્રેસના 10થી વધુ MLA 1 દિવસ માટે સસ્પેન્ડ
આજથી ગુજરાત વિધાનસભાનું 2 દિવસીય વિશેષ સત્ર શરૂ થયું છે. આ સત્રની શરૂઆત ટૂંકી મુદતના પ્રશ્નથી કરવામાં આવી હતી. વિધાનસભા સત્રની શરૂઆત થતા જ ગૃહમાં વિપક્ષના ધારાસભ્યોએ નારેબાજી કરી હતી. કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. વેલમાં ધસી જઈ બેનરો પ્રદર્શિત કર્યા હતા. અને કોંગ્રેસના ધારસભ્યોએ ગૃહમાં સુત્રોચ્ચાર કર્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ધ્વની મતના બહુમતથી કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/high-1.jpg)
ચોમાસામાં વરસાદથી રોડ-રસ્તાને થયેલા નુકસાન અંગે તથા ખેતીને થયેલા નુકસાન અંગે વિધાનસભામાં ચર્ચા કરવામાં આવશે. સાથે સત્ર દરમિયાન વિવિધ વિભાગના કાગળ ટેબલ ઉપર મુકવામાં આવશે અને અનુમતિ મળેલા વિધેયકને પણ ટેબલ ઉપર મુકવામાં આવશે.
ઉપરાંત ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના સંદેશ સાથે પરત કરવાની આજે જાહેરાત કરવામાં આવશે. ગૃહમાં ઢોર નિયંત્રણ બિલ પાછુ ખેંચવા અનુમતિ માંગતો પ્રસ્તાવ શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા દ્વારા મુકવામાં આવશે. સત્ર દરમિયાન આજે ત્રણ સરકારી વિધેયક પણ ગૃહમાં રજૂ કરાશે. જેમાં ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ વિધેયકનો સમાવેશ થાય છે. વિધાનસભા સત્રની શરૂઆત પહેલા જ કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની બહાર રોડ-રસ્તા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/6b8e083e65187fe34aa4cc7d6ddcb8ef_original.jpg)
કુલ સાત જેટલા સુધારા વિધેયક રજૂ કરાશે. પ્રથમ દિવસે કુલ 4 સુધારા વિધેયક રજૂ કરાશે. જ્યારે બીજી બેઠકમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્નોત્તરી પણ કરાશે. આ પ્રશ્નોત્તરીમાં વિપક્ષ સરકારને વિવિધ મુદ્દાઓને લઈને બાનમાં લેશે.
ગુજરાત વિધાનસભામાં આ બિલો આજે રજૂ કરાશે :
- ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, 2022
- ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક, 2022
- ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (સુધારા), વિધેયક 2022
- ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, 2022
- ગુજરાત વિનિયોગ અધિનિયમો (રદ્દ કરવા બાબત) વિધેયક, 2022
- ઢોર નિયંત્રણ બિલ અને સુધારા વિધેયક