- ૮ ડિસેમ્બરે આવશે ચૂંટણીનું પરિણામ…
ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. આજે બપોરે 12 કલાકે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી તારીખો જાહેર કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન બે તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 લી ડિસેમ્બરના રોજ કરાશે તો બીજા તબક્કાનું મતદાન 5 મી ડિસેમ્બરના રોજ યોજાશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. તો બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન યોજાશે. તો ૮ ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે.
ચૂંટણી પંચે કરેલ પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દાઓ :
૧૮ ફેબ્રુઆરીએ પૂરો થાય છે વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાતમાં ૪.૯ કરોડ મતદારોની સંખ્યા છે. રાજ્યમાં ૩.૨૪ લાખ નવા મતદારો નોંધાયા છે. ૪.૬ લાખ મતદારોની ઉંમર ૧૮ થી ૧૯ વર્ષ છે. ૯.૮૭ લાખ મતદારો ૮૦ વર્ષથી વધુ વયના છે. રાજ્યમાં ૫૧ હજાર ૭૮૨ મતદાન કેન્દ્રો રાખવામા આવ્યા છે. ૫૦ ટકા મતદાન કેન્દ્રો પર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમા ૧૨૭૪ મહિલા મતદાન કેન્દ્રોની વ્યવસ્થા કરાઇ છે તો દિવ્યાંગો માટે ૧૮૨ વિશેષ મતદાન કેન્દ્રો હશે. સીનીયર સીટીઝન માટે ઘરે પણ સુવિધા ઉભી કરાશે. ૨૦૧૭ ની તુલનાએ આ વખતે ટ્રાન્સઝેન્ડરની સંખ્યા બમણી છે. ચૂંટણીને લગતી ફરિયાદ અંગે પોર્ટલ પર ફરિયાદ કરવા માટે સુવિધા આપવામાં આવી છે. ફરિયાદ બાદ ૧૦૦ મિનિટમાં કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ નાગરિક ઉમેદવાર વિશે જાણી શકશે. ઉમેદવારના ક્રિમીનલ રેકોર્ડ વેબસાઈટ પરથી જાણી શકાશે. દારૂની હેરાફેરી પર ખાસ નજર રાખવામાં આવશે. સરહદો પર ચકાસણી વધુ કડક કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ચૂંટણી કમિશનની ખાસ નજર રહેશે.