- તા ૨૩મી સુધી વિદ્યાર્થી કન્સેન્ટ આપી ચોઈસ ફિલિંગ કરી શકશે….
- ગુજરાત રાજ્યમાં ફાર્મસી કોલેજમાં એડમિશન મેળવવા માટેની પક્રિયા શરુ કરવામાં આવી છે…
ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવી ૧૮ ફાર્મસી કોલેજો-૨૫ કોર્સને મંજૂરી આપતા આ કોલેજો માટે ફરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી પડે તેમ હતી. પરંતુ ચૂંટણી આચાર સંહિતાને લઈને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ ન હતી. આચાર સંહિતા ઉઠયા બાદ અને નવી સરકારની રચના થઈ ગયા બાદ ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા સરકાર પાસે ફરી પ્રવેશ પ્રક્રિયા શરૃ કરવા માંગણી કરાઈ હતી.સરકારે મંજૂરી આપી દેતા પ્રવેશ સમિતિ દ્વારા ફાર્મસીની નવી ૧૮ કોલેજો-૨૫ કોર્સની સ્ટેટ ક્વોટાની ઈડબ્લુએસ સાથેની ૯૦૦ જેટલી બેઠકો માટે પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામા આવ્યો છે.
કાઉન્સિલે નક્કી કરેલી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત ૩૧ ડિસેમ્બર સુધીની છે.ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સીસ માટે પ્રવેશ સમિતિ દ્વારા બે ઓનલાઈન રાઉન્ડ પૂર્ણ કરી દેવાયા હતા અને સરકારી કોલેજોની ખાલી બેઠકો માટે ત્રીજો રાઉન્ડ પૂર્ણ કરાયો હતો. ત્યારબાદ ફાર્મસી કાઉન્સિલ દ્વારા ગુજરાતની ૧૮ નવી ફાર્મસી કોલેજોને મંજૂરી અપાઈ હતી.જેમાં ૭ કોલેજોને બી.ફાર્મ અને ડી.ફાર્મ બંને માટે અને ૧૧ કોલેજોને માત્ર બી.ફાર્મ માટે મંજૂરી મળી હતી. પ્રવેશ સમિતિએ અગાઉની સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત બે રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો ખાનગી કોલેજોને ભરવા પણ આપી દીધી હતી પરંતુ આ નવી કોલેજો માટે ફરી પ્રવેશ પ્રક્રિયા શરૃ કરવી પડે તેમ હતી.જેથી સરકારની મંજૂરી મળતા આજે એસીપીસી-પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ તા ૨૩મીએ બપોરના ૧૨ વાગ્યા સુધી ઓનલાઈન કન્સેન્ટ આપી ઓનલાઈન ચોઈસ ફિલિંગ પણ કરી શકશે. ૨૩મી સાંજે ઓનલાઈન સીટ એલોટેન્ટ જાહેર કરાશે અને વિદ્યાર્થીએ ૨૫મી સુધીમાં ઓનલાઈન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. જોકે પ્રવેશ સમિતિ દ્વારા ૧૮ કોલેજોના ૨૫ કોર્સની મંજૂર થયેલી કુલ ૧૫૦૦ બેઠકો અને ૧૦ ટકા ઈડબલ્યુએસ સાથેની ૧૭૮૦ બેઠકોમાંથી ૫૦ ટકા મુજબ ૯૦૦ જેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે બાકીની ૫૦ ટકા મેનેજમેન્ટ ક્વોટા બેઠકો કોલેજો પોતાની રીતે ગુજકેટ કે નીટથી ભરશે. કોલેજો પોતાની બેઠકો ૨૧થી૨૬મી સુધી ભરી શકશે.કાઉન્સીલે દરેક કોલેજ-કોર્સમાં ૬૦-૬૦ બેઠકો મંજૂર કરતા ફાર્મસીની ઈડબલ્યુએસ સાથેની ૧૭૮૦ બેઠકો વધી છે પરંતુ અગાઉની પ્રવેશ પ્રક્રિયામાં ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓના મેરિટ સામે ૬૩૦૦ બેઠકોમાંથી નોન રિપોર્ટેડ થયેલી ૧૩૦૦ બેઠકો ખાલી રહી હતી.આમ આ નવા પ્રવેશ રાઉન્ડ બાદ પણ ઘણી બેઠકો ખાલી રહે તેમ છે કારણકે પેરામેડિકલ પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.