Published by : Anu Shukla
- બદલાતા સમયમાં જજને લોર્ડશિપ કે લેડીશિપને બદલે યોર ઓનરનું સંબોધન શ્રેષ્ઠ : ચીફ જસ્ટિસ
સામાન્ય રીતે અદાલતમા ન્યાયાધિશને લોર્ડશીપ કે લેડીશીપ તરીકે સંબોધન કરવામા આવે છે પરંતુ હવે બદલાયેલા સંજોગોમાં યોરઓનર કહેવું વધુ સારુ રહેશે એમ મહીલા ચીફ જસ્ટિસે જણાવ્યુ હતુ…
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી આ શનિવારે નિવૃત્ત થઇ રહ્યા છે. નિવૃત્તિના બે દિવસ પહેલા હાઇકોર્ટના સિનિયર કાઉન્સિલ અને તેમની વચ્ચે ખૂબ રસપ્રદ સંવાદ થયો હતો. એક કેસમાં સિનિયર કાઉન્સિલે ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણીને લોર્ડશીપ તરીકે સંબોધન કર્યું હતું. તે પછી તરત તેને સુધારીને સોરી લેડીશિપ કહીને સંબોધ્યા હતા. ત્યારે ચીફ જસ્ટિસ સોનિયાબેને હળવાશમાં ઉલ્લેખ કર્યો હતો કે, જસ્ટિસના હોદ્દા પર સ્ત્રી કે પુરૂષ કોઇપણ હોય તેમને થતા સંબોધનમાં જેન્ડર ન્યુટ્રાલિટી જળવાય(એટલે કે સંબોધન કોઇપણ હોય પરતું તે તટસ્થ હોય) તે આવકાર્ય છે. અર્થાત્ યોર ઓનરનું સંબોધન શ્રેષ્ઠ છે. વધુમા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ નેશનલ જ્યુડિશિયલ એકેડેમીનો પોતાનો એક અનુભવ કહ્યો હતો કે, જયારે ન્યાયતંત્રનું સ્વરૂપ આલેખાયું ત્યારે માત્ર મિ.લોર્ડ જ હતા, કોઈ લેડીશીપ (મહિલા જજ)નહોતા. તેથી યોર લોર્ડશિપનું સંબોધન પ્રસ્થાપિત થયું હતું. હવે બદલાયેલા સમય-સંજોગોમાં લોર્ડશિપ કે લેડીશિપના સંબોધનના બદલે યોર ઓનર સંબોધન વધુ પ્રસ્તુત ગણાય. હાલ જજને જે રીતે સંબોધન કરવામાં આવે છે તેમાં જૂના સામંતવાદી સમયનો પ્રભાવ દેખાય છે. ત્યારે હાજર બીજા કાઉન્સિલે એવો સંવાદ કર્યો હતો કે, જજને સંબોધન કરતી વખતે વકીલોમાં થોડું ટેન્શન રહેતું હોય છે. ચીફ જસ્ટિસે રમૂજ કરતા કહ્યું કે સર કે મેડમ બોલવાને બદલે યોર ઓનર જ શ્રેષ્ઠ ગણાય.