Published by : Rana Kajal
- પોલીસ કર્મચારીને શોધવામાં પોલીસ તંત્રને સફળતા ન સાપડી…
દિલ્હી અને ગુજરાત રાજ્યની પોલીસ સતત ઍક ગુમ થયેલ પોલીસ કર્મચારીને શોધી રહી છે. જે આરોપી ન હતો પરંતું ફોન ટેપ જાસૂસી કાંડમાં દિલ્હી પોલીસે માત્ર પૂછપરછ માટે તેને દિલ્હી બોલાવ્યો હતો પોલીસ કર્મચારી દિલ્હી તો ગયો પરંતું પરત સુરત ગુજરાત ન આવ્યો…મહિનાઓ થઈ ગયા આ ગુમ થયેલ પોલીસ કર્મચારીનો કોઇ પત્તો નથી. તેથી જાત જાતની શંકા કુશંકા સેવાઈ રહી છે….
સુરતમાં રહેતો ચૌધરી પરિવાર ઘરના મોભી અને પોલીસ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીની છેલ્લા 10 મહિનાથી રાહ જોઈ રહ્યો છે. આ કર્મચારી પોલીસ વિભાગમાં કોલ ડિટેલ રેકોર્ડનું કામ કરતો હતો. અને એક અત્યંત સંવેદન શીલ ગુનાની તપાસ માં સાથ આપવા સુરત થી દિલ્હી ગયો હતો.સૌથી નોધપાત્ર બાબત એ છે કે ત્રણ દિવસ સુધી કોઈ હોટેલમાં રહેવાને બદલે એક પોલીસ સ્ટેશનની બેરેકમાં જ સુરતનો પોલીસ રહે છે ત્યાર બાદ પોતાની પત્નીને વ્હોટ્સ એપ થી મેસેજ આપે છે કે તે હવે કંટાળી ગયો છે…
મિથુન ચૌધરીનો છેલ્લો મેસેજ….હું 6 દિવસમાં ખૂબ જ માનસિક ત્રાસ અનુભવતા આ પગલું ભરુ છું. બે દિવસની નોટિસ આપીને આખું અઠવાડિયું બેસાડી રાખ્યું. હું પાછો આવી જઈશ એમ કહેવા છતાં મને નથી આવવા દીધો.’….આ મેસેજ ઘણાં સંકેત આપે છે. મિથુન ક્યું પગલું ભરવાની વાત કરે છે…? દિલ્હી પોલીસે તેની સાથે એવો કેવો વ્યવહાર કર્યો કે જેથી માનસીક રીતે તે પડી ભાંગ્યો….
મિથુન ચૌધરીની પત્ની શર્મિલા ચૌધરીએ કહ્યું કે, ‘હું રામપુરા પોલીસ લાઈનમાં મારાં બે બાળકો સાથે રહું છું. મારાં લગ્ન વર્ષ 2006માં થયાં હતાં. મારા પતિ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ઓગસ્ટ 2022માં એ દિવસે દિલ્હી પોલીસની ઇન્ક્વાયરી ચાલી હતી. આખો દિવસ દિલ્હી પોલીસે મારા પતિની ઇન્ક્વાયરી કરી હતી. મારા પતિ ઇન્ક્વાયરી પછી રાત્રે 9 વાગે ઘરે આવ્યા. તેમણે મને કહ્યું કે, મારે દિલ્હી બે દિવસ માટે જવું પડશે. પછી તેઓ એક બેગમાં કપડા લઈને નીકળી ગયા હતા. પાછળથી મને ખબર પડી કે મહિધરપુરા પોલીસે આરોપી વિપુલ કોરડિયા તેમજ મારા પતિને લઇ જવા માટે કાર કરી આપી હતી. CDRનો કેસ હતો અને વિપુલ કોરડિયા આ કેસમાં પકડાયો હતો. તેણે દિલ્હી પોલીસને કહ્યું કે, મને આઈડી મિથુનભાઈએ આપી હતી. તા 13 ઓગસ્ટને શનિવારના દિવસે સુરતથી તેમને દિલ્હી પોલીસ લઇ ગઈ હતી. ત્યાર બાદ તેમને ઇનોવામાં દિલ્હી પહોંચતા બે દિવસ થયા. 15 ઓગસ્ટના દિવસે તેઓ દિલ્હી પહોંચ્યા હતા.’
તેમણે વધુમાં જણાવ્યું કે ‘મારા પતિને દિલ્હી લઇ જતા હતા તે દરમિયાન હું તેમની સાથે ફોન પર સતત સંપર્કમાં હતી. એ લોકો ક્યાં પહોંચ્યા એવી વાત થતી. ત્યાં પહોંચ્યા પછી તેમના રહેવા જમવા બાબતે વાતચીત થઈ હતી. મારા પતિએ મને કહ્યું હતું કે રહેવાનું સારું છે, પણ જમવાનું ભાવતું નથી. હું સમયપૂર બાદલી પોલીસ સ્ટેશનમાં રોકાયો છું.’
શર્મિલા ચૌધરીના મતે તેમની મિથુન ચૌધરી સાથે 13 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી સતત વાતચીત થઈ હતી. જેમાં મિથુન ચૌધરીએ કહ્યું હતું કે 17 કે 18 તારીખે મને રજા આપશે. ત્યાર બાદ હું ટ્રેનમાં કે પ્લેનમાં ઘરે આવી જઈશ. 18 ઓગસ્ટની સવારે તેમનો છેલ્લો ફોન આવ્યો હતો પણ ત્યાર બાદ અમે અનેક ફોન કર્યા પણ કોન્ટેક્ટ થયો નહોતો….અત્યાર સુધીના આ તથ્યો પરથી ઘણાં પ્રશ્નો ઉપસ્થિત થાય કે કયા કારણોસર મિથુન આટલા દિવસ પોલીસ સ્ટેશનમાંજ રહયો… શું દિલ્હી પોલીસ તેને આંખ સામે રાખવા માંગતી હતી…. મિથુન પોલીસ સ્ટેશનની બહાર શું જણાવી નીકળ્યો હતો..?
હાલ મિથુનના ઘરની પરિસ્થિતી જોતા તેનો પગાર ગુજરત પોલીસે મહિનાઓથી અટકાવી દીધો છે 2 બાળકોના ભણતર સાથે અન્ય આર્થીક પ્રશ્નો પણ ઉભા થયા છેમિથુનના ભાઈ પણ દિલ્હી જઈ આવ્યા. ભાઈ પ્રકાશે જણાવ્યુ કે મિથુનને શોધવા માટે દિલ્હી ગયા હતા. પ્રકાશ ચૌધરીએ જણાવ્યું કે ‘મારા નાનાભાઈ મિથુનને દિલ્હી પોલીસ 13 ઓગસ્ટ 2022ના રોજ લઈ ગઈ હતી. મારા ભાભીએ આ વાતની મને બીજા દિવસે એટલે કે 14મી તારીખે જાણ કરી હતી. મેં તેમને એ સમયે કહ્યું હતું, ચિંતા ન કરતાં ધીરજ રાખો, તેમને કેસની તપાસ માટે લઈ ગયા હશે.’ તેમણે વધુમાં જણાવ્યું કે’18 ઓગસ્ટ 2022ના રોજ મારા ભાઈ મિથુનનો ભાભી પર છેલ્લો મેસેજ આવ્યો, જેમાં તેને છેલ્લા 6 દિવસથી માનસિક ત્રાસ આપ્યો હોવાનું લખ્યું હતું. અમે તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ફોન જ ન લાગ્યો. એટલે અમે સુરતના પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી તો તેમણે કહ્યું, થોડી ધીરજ રાખો, સહકાર આપો. તમારા ભાઈ આવી જશે. ત્યાર પછી 20 ઓગસ્ટના રોજ અમે આસિસ્ટંટ કમિશનર ને મળ્યા હતા. તેમણે સલાહ આપી કે તમે મહિધરપુરા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરો. અમે ત્યાં ગયા તો અમને આખો દિવસ બેસાડી રાખ્યા. છેક સાંજે પીઆઈ આવ્યા. પછી અમને ચેમ્બર્સમાં બોલાવાયા અને કહ્યું કે હું ઉપરી સાથે વાત કરી લઉં. પછી FIR લખીએ. એટલે અમને ફરી થોડીવાર બહાર બેસવા માટે કહ્યું. 10 મિનિટ પછી અમને અંદર બોલાવ્યા અને કહ્યું, તમારી ફરિયાદ અહિંયા નહીં નોંધાય. અમે આવા વર્તનથી ખૂબ જ અકળાઈ ગયા. કારણ કે પોલીસકર્મી ગુમ છે, તેને શોધવા તેના જ ડિપાર્ટમેન્ટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન નોંધવામાં આવી.’
પ્રકાશ ચૌધરીએ કહ્યું, ‘પોલીસ સ્ટેશનમાં બનેલી આવી ઘટના બાદ મારા ભાઈને શોધવા માટે અમે જાત તપાસ કરવાનું નક્કી કર્યું. દિલ્હીના જે પોલીસ સ્ટેશનમાં મારા ભાઈને લઇ ગયા હતા, ત્યાં જાતે જઈને તપાસ કરવાનું અમે નક્કી કર્યું. જો કે એ સમયે અમારી સાથે સુરતથી ક્રાઈમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલ મોકલ્યા હતા. 22 ઓગસ્ટ 2022ના રોજ જ્યારે અમે દિલ્હી ગયા ત્યારે અમારી સાથે દિલ્હી પોલીસે ગુનેગાર જેવું વર્તન કર્યું. પોલીસ સ્ટેશનમાં અમને જાત-જાતના સવાલો પૂછવામાં આવ્યા હતા. પણ અમે અમારો વિવેક જાળવીને તમામ જવાબ આપતા હતા. એ સમયે ક્રાઇમ બ્રાન્ચના ACPએ અમને કહ્યું, તમે કાંઈ ચિંતા ના કરો, તમારા ભાઈ રસ્તામાં રખડતો માણસ નથી. અમે તેમને ગમે ત્યાંથી શોધી લઈશું.’
‘મારા ભાઈનું છેલ્લું લોકેશન શકુરબસ્તી રેલવે સ્ટેશન હતું. અમને ત્યાં લઇ ગયા. ક્રાઇમ બ્રાન્ચે અમને ત્યાં ફક્ત બે સીસીટીવી ફૂટેજ જ બતાવ્યા. જેમાં એક ઇલેક્ટ્રિક રિક્ષામાંથી મારા ભાઈ મિથુન ઉતારતા દેખાય છે. જ્યારે બીજા સીસીટીવીમાં ટિકિટ બારી પાસે દેખાય છે. તેમણે ટિકિટ લીધી હતી કે નહીં એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતું નથી. ત્યાર બાદ અન્ય સીસીટીવીમાં મિથુનભાઈ જોવા નથી મળ્યા.’તેમણે વધુમા જણાવ્યુ કે ‘ત્રીજા દિવસે અમે મિથુન ગુમ થયાની ફરિયાદ નોંધવા માટે સમયપુર બાદલી પોલીસ સ્ટેશન ગયા હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે ત્યાંના પોલીસકર્મીઓએ કહ્યું કે મિથુન ચૌધરી જ્યાંથી ગુમ થયા છે તે અમારી હદમાં નથી આવતું. જેથી અમને સરાઈ રોહિલા પોલીસ સ્ટેશનમાં લઇ ગયા. એ લોકો ત્યાંથી પાછા ત્રીજા પોલીસ સ્ટેશન જવા માટે કહ્યું. આમ અમને ત્રણેક પોલીસ સ્ટેશનમાં ફેરવ્યા હતા. પછી એ લોકોએ અમને 24 તારીખ આખી રાત બેસાડ્યા. હું સમયપુર બાદલીના DCPને ફરિયાદ નોંધવા માટે મળ્યો. ત્યાર બાદ બીજા દિવસે સમયપુર બદલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. એક ફરિયાદ નોંધવા બે દિવસ અમને ગોળ-ગોળ ફેરવ્યા.’
‘અમે મિથુન ગુમ થયાની ફરિયાદ આપી હતી. જો કે ત્યારબાદ અમને કોઈ ભાળ ના મળી. એટલે અમે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હતી. પરંતુ મિથુન દિલ્હીમાં ગુમ થયો હોવાથી અમે અરજી પાછી ખેંચી અને દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. દિલ્હી હાઈકોર્ટમાં તેની સુનાવણી ચાલુ છે.’પ્રકાશ ચૌધરીએ જણાવ્યું કે પોલીસ કમિશનર , ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , બધાને રજુઆત કરી તેમ છતાં કોઇ પરિણામ આવેલ નથી. દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટમાં જણાવ્યુ કે, ‘મિથુન ચૌધરી તેમજ કેસના આરોપીઓને લઈને 15 તારીખે દિલ્હી પહોંચ્યા હતા. આ કેસમાં અમે મિથુન ચૌધરીને CDR કેસ સંબંધિત કેટલીક વિગતો અને ડૉક્યુમેન્ટ 16 તારીખ સુધીમાં તપાસ અધિકારીને આપી દેવા માટે જણાવ્યું હતું. જ્યારે આ કેસના બે આરોપી રિમાન્ડ પર હતા.’
’15 ઓગસ્ટે બપોરે ભોજન બાદ હેડ કોન્સ્ટેબલ મિથુન ચૌધરી અમારી સાથે કેસની તપાસમાં જોડાયા હતા. અમે તેમને CrPCની કલમ 91 મુજબ નોટિસ આપી હોવા છતાં તેમણે CDR કેસ સંબંધિત કેટલા ડોક્યુમેન્ટ આપવા જણાવ્યું હતું. પરંતુ તેમણે અમને આપ્યા ન હતા. ત્યાર બાદ આ ડોક્યુમેન્ટ સુરતથી દિલ્હી મંગાવવા માટે કુરિયર તેમજ ઈ-મેલ પણ માગ્યું હતું. તેમ છતાં મિથુને અમને ડૉક્યુમેન્ટ ન લાવી આપ્યા. આખરે 17 તારીખે મિથુન ચૌધરીએ કહ્યું, હું સુરત જઈને તમે જે ડૉક્યુમેન્ટ માગો છો, તે લઈ આવું છું. એટલે અમે તેમને સુરત જવાની પરવાનગી આપી હતી. આ દરમિયાન મિથુન ચૌધરી સમયપુર બાદલી પોલીસ સ્ટેશનના બેરેકમાં જ રહેતા હતા.’ એટલે કે દિલ્હી પોલીસના રેકોર્ડ મુજબ મિથુન ચૌધરી 15થી 18 ઓગસ્ટ સુધી બીજે ક્યાંય ગયા જ નથી. પોલીસ સ્ટેશનમાં જ હતા.’
મિથુન ગુમ થયાના એક દિવસ પહેલાં એટલે કે 17 ઓગસ્ટ 2022ની સાંજે મિથુન ચૌધરીએ દિલ્હી પોલીસના સંદીપ નામના હેડ કોન્સ્ટેબલ સાથે સુરત કેવી રીતે જઈ શકાય તે અંગે ચર્ચા કરી હતી. ત્યારે સંદીપે મિથુનને કહ્યું હતું કે તમારે સુરત જવું હોય તો તમને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન તેમજ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રાજધાની એક્સપ્રેસ મળી જશે. આ સિવાય જૂની દિલ્હી રેલવે સ્ટેશનથી અમદાવાદ જવા આશ્રમ એક્સપ્રેસ મળી જશે. સંદીપે એ પણ સલાહ આપી હતી કે જો તમારે આ બન્નેમાંથી જે પણ ટ્રેનમાં જવું હોય અગાઉથી રિઝર્વેશન કે તત્કાલમાં ટિકિટ કરાવી લેજો. ત્યાર બાદ ટિકિટ ક્યાંથી મળી શકે એ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. દિલ્હી પોલીસે આપેલી જાણકારી પ્રમાણે મિથુન ચૌધરીને 18 ઓગસ્ટ 2022ના રોજ સવારે 10 વાગ્યે છેલ્લે SI નીરજે જોયા હતા. ત્યાર પછી કોઈએ તેમને રૂબરૂમાં જોયા નથી.
મિથુન ચૌધરી જે દિવસે ગુમ થયા એ દિવસના તેમના મોબાઈલના કોલ ડિટેલ રેકોર્ડ કાઢવામાં આવ્યા હતા. જેમાં 18 ઓગસ્ટે તેમણે પોતાના પત્ની, ભાઈ, તેમજ તેમની સાથે નોકરી કરતા ચાર પોલીસકર્મીઓને ફોન પર સંપર્ક કર્યો હતો. નોંધવા જેવી વાત એ પણ છે કે હું કંટાળી ગયો છું, મને માનસિક રીતે છેલ્લા 6 દિવસથી હેરાન કરવામાં આવ્યો હતો. આ મેસેજ પણ મિથુન ચૌધરીએ સવારના 11 વાગીને 36 મિનિટે કર્યો હતો.મિથુન ચૌધરીને શોધવા કયા પ્રકારના પ્રયત્ન થયા તે બાબતે કોર્ટમાં માહિતી આપતા દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે…
મિથુન રંગાભાઇ ચૌધરીને શોધવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે. જેમાં ACP, DCP કક્ષાના અધિકારીઓ પણ સામેલ છે.મિથુન ચૌધરીની કોઈ ભાળ મળે તો જાણ કરવા મુદ્દે ભારતના તમામ SSP અને દિલ્હીના તમામ SHOને સંદેશ મોકલવામાં આવ્યો હતો. દિલ્હી તેમજ સુરતનાં ઘણાં સ્થળોએ ગુમ થયા અંગે નોટિસ પણ ચોંટાડવામાં આવી છે.પિતા રંગાભાઇ અને પત્નીના મોબાઈલ નંબર CDR નિયમિત પણે મેળવામાં આવે છે. દિલ્હી પોલીસની ટીમને અમદાવાદ, સુરત અને ગુજરાતમાં અન્ય સંભવિત સ્થળે તપાસ માટે મોકલી હતી. અમદાવાદ રેલવે સ્ટેશન પર પર લગાવામાં આવેલ સીસીટીવીની ચકાસણી પણ કરાઈ હતી.
દિલ્હીમાં મળી આવેલા અજાણ્યા મૃતદેહો, વ્યક્તિઓ, ઘાયલ વ્યક્તિઓ અને અન્ય સંબંધિત લગભગ 860 PCR કૉલ્સનો ડેટા, કમાન્ડ રૂમમાંથી મેળવવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટ 2022થી 7 દિવસ સુધી તેની તપાસ કરવામાં આવી હતી.મિથુન ગુમ થયા બાદ તેમનો મોબાઈલ ફોન અને IMEI એક્ટિવ નથી થયો. મિથુન ચૌધરી બે વોટ્સએપ નંબર વાપરતા હતા, પરંતુ તેનાં બન્ને લોકેશનમાં કોઈ નવી ગતિવિધિ જોવા નથી મળી.મિથુન ચૌધરીના સ્ટેટ બેન્ક અને એક્સિસ બેન્કમાં ખાતા હતા. તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેમના ખાતામાંથી ગુમ થયા બાદ 21 અને 22 ઓગસ્ટ 2022ના રોજ ત્રણ ટ્રાન્ઝેક્શન થયા હતા.
જો કે આ રૂપિયા તેમના પરિવારે ઉપાડ્યા હોવાની કબૂલાત કરી છે સુરત DCP પિનાકિન પરમારે જણાવ્યું કે ‘વિપુલ નામનો એક કોસ્ટેબલ છે. જે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. વિપુલ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને લોકોના CDR દિલ્હી ખાતે પ્રાઇવેટ એજન્સીને વેચતો હતો. દિલ્હી પોલીસને ધ્યાનમાં આવતા વિપુલને આરોપી બનાવ્યો હતો. તેની સાથે શંકાના દાયરામાં મિથુન ચૌધરી હોવાથી મિથુનને તપાસ માટે દિલ્હી બોલાવ્યો હતો. દિલ્હી ગયા પછી કેટલાક દિવસ બાદ દિલ્હી પોલીસે તેને છોડી દીધો છે. પરંતુ ત્યાર બાદ તે ગભરાઈ ગયો હોય કે ગમે તે કારણ હોય એ દિલ્હીથી પાછો ગુજરાત નથી આવ્યો. આ કેસમાં મિથુન આરોપી નથી, માત્ર તપાસ માટે તેને બોલાવ્યો હતો. અમે મિથુનને શોધવા માટે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ તેના મિત્રોનાં નિવેદનો પણ લીધાં છે.’…..