ગુરુવાર, 11 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિ પૂનમ છે. પૂનમ તિથિએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. પરંતુ વરસાદ હોવાના કારણે ગંગા, યમુના, નર્મદા કે અન્ય કોઈપણ પવિત્ર નદીનું જળ લઈને ઘરના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવું. આવું કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળી જાય છે.પુરી અને બનારસના વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું. જો તે શક્ય ન હોય તો પોતાની શ્રદ્ધા પ્રમાણે રૂપિયા કે અનાજનું દાન કરવું. આ દિવસે કપડાં, બૂટ-ચપ્પલ, મીઠું, તલ કે ગોળનું દાન પણ આપી શકાય છે.
શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાનું વિધાન
શિવ પુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાનું વિધાન છે. આ પૂનમ શ્રાવણ મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ હોય છે. એટલે આ દિવસે ભગવાન શિવની ખાસ પૂજા કરવી જોઈએ. જેના માટે કોઈ તાંબાના લોટામાં પાણી, ગંગાજળ અને દૂધ મિક્સ કરીને શિવલિંગ ઉપર ચઢાવવું જોઈએ. તે પછી બીલીપત્ર, મદારના ફૂલ અને ધતૂરો ચઢાવવો. આ પૂજા કરતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી સાંજે શિવ મંદિરમાં તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/shivling_0.jpg)
શ્રીકૃષ્ણની પૂજા
દક્ષિણાવર્તી શંખથી ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાલગોપાલનો અભિષેક કરો. તેના માટે શંખમાં ગંગાજળ, કેસર અને હળદર મિક્સ કરીને દૂધ ભરવું. પછી ભગવાનને ચઢાવવું. અભિષેક પછી તુલસીના પાન અને પીળા ફૂલ ચઢાવવાં. પીળી મીઠાઈનો ભોગ ધરાવવો. છેલ્લે આરતી કરો અને બની શકે તો કોઈ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને ભોજન કરાવો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/bal-gopal-in-home1596455649_1629698903.jpg)
ગુરુવાર અને પૂનમના સંયોગમાં આ કામ કરો
- આ શુભ યોગમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા ખાસ કરવામાં આવે છે. વિષ્ણુજીના અવતાર ભગવાન સત્યનારાયણની કથા વાંચો કે સાંભળો. સત્યનારાયણજીને કેળાનો ભોગ ધરાવવો.
- પંચદેવ એટલે શિવજી, ગણેશજી, વિષ્ણુજી, દેવી માતા અને સૂર્યદેવની પૂજા કરો. કોઈપણ શુભ કામમાં આ પાંચ દેવતાઓની પૂજા ચોક્કસ કરવી જોઈએ.
- પોતાના આરાધ્યદેવના મંત્રનો જાપ કરો. આ દિવસે સવારે અને સાંજે તુલસીમાં જળ ચઢાવો. પછી ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીની પરિક્રમા કરો.