Published by : Anu Shukla
- ભારત જોડો યાત્રા’ કાશ્મીર પહોંચે તે પહેલા જ 17 નેતાઓએ પકડ્યો કોંગ્રેસનો હાથ
કોંગ્રેસ પક્ષ છોડીને પોતાની નવો પક્ષ ‘ડેમોક્રેટિક આઝાદ પક્ષ’ બનાવનાર ગુલામ નબી આઝાદને મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસ પક્ષને નવી તાકાત મળી છે. ‘ભારત જોડો યાત્રા’ શ્રીનગરમાં પહોંચે તે પહેલા જ ગુલામ નબી આઝાદની પાર્ટી DPAમાંથી રાજીનામું આપી પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ સહિત 17 મોટા નેતાઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે. જ્યારે ગુલામ નબી આઝાદે ડેમોક્રેટિક આઝાદ પાર્ટી બનાવી હતી, ત્યારે આ તમામ નેતાઓ તેમાં જોડાયા હતા.
ગુલામ નબી આઝાદ અંગે પૂછવામાં આવતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદે કહ્યું કે, તેઓ જ કહી શકે છે કે, તેમણે કોંગ્રેસ પાર્ટી કેમ છોડી હતી. તારા ચંદ સહિત 17 નેતાઓ કોંગ્રેસમાં સામેલ થયા ત્યારે પક્ષના વરિષ્ઠ નેતા કે.સી.વેણુગોપાલ ઉપસ્થિત હતા. વેણુગોપાલે કહ્યું કે, આ નેતાઓ ‘ભારત જોડો યાત્રા’ના કારણે જ પક્ષમાં પરત ફર્યા છે અને ભાગલાવાદી તાકાતો સામે લડવા રાહુલ સાથે ચાલશે.
‘અમારાથી ભુલ થઈ ગઈ’
જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદનું કહેવું છે કે, કોંગ્રેસે મારા જેવા ગરીબ માણસને ટિકિટ આપી, ધારાસભ્ય બનાવ્યો, CLP નેતા બનાવ્યો. અમારાથી લાગણીમાં આવીને ભુલ થઈ ગઈ. આના કારણે પક્ષને નુકસાન થયું છે. અમે કોંગ્રેસ પક્ષમાં પરત ફર્યા છીએ.
કોંગ્રેસ છોડ્યા બાદ મને ઊંઘ પણ ન આવી : પીરજાદા મોહમ્મદ સૈયદ
કોંગ્રેસ પક્ષમાં પરત ફરનાર પીરજાદા મોહમ્મદ સૈયદે જણાવ્યું કે, હું 50 વર્ષથી કોંગ્રેસમાં રહ્યો છું. કોંગ્રેસમાં મે જુદા જુદા પદો પર કામ કર્યું છે. 4 વખત મંત્રી બન્યો છું. મારાથી ભુલ થઈ છે. હું લાગણીમાં આવી ગયો હતો અને લગભગ બે મહિના પહેલા મને ઉંઘ પણ આવી ન હતી.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાં ફરી સામેલ થવાના અહેવાલોને અગાઉ 30 ડિસેમ્બરના રોજ રદીયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતૃત્વ વિરૂદ્ધ કોઈ દ્વેષભાવ નથી.