- ગૂગલને ગુન્હેગાર ઠેરવી 1,700 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારાયો
- ફ્રાન્સમાં કેસ હાર્યા બાદ હવે ગૂગલ લડી લેવાના મિજાજમાં
- બ્રિટન તથા નેધરલેન્ડના બે પ્રકાશકોએ કોર્ટમાં દાવો માંડયો
ગૂગલે ઓનલાઈન જાહેરખબરો માટે પોતાની એડ-ટૅક (એડવર્ટાઈઝર ટૅકનોલોજી) દ્વારા મોનોપોલીનો દુરુપયોગ કરીને પોતાની જાહેરખબરની આવકમાં મોટું નુકસાન કર્યું હોવાનો આરોપ મૂકીને બ્રિટન તથા નેધરલેન્ડના બે પ્રકાશકોએ કોર્ટમાં દાવો માંડયો છે. ગૂગલની એડ-ટૅક નીતિઓ અંગે યુરોપિયન યુનિયન અને બ્રિટન પહેલાંથી જ તપાસ કરી રહ્યાં છે. ગયા વર્ષે ફ્રાન્સના કમ્પિટિશન કમિશને મોબાઈલ એપ અને વેબસાઈટ્સ પર આપવામાં આવતી જાહેરખબરો અંગે ગૂગલના એડ-સર્વરોને મોનોપોલીના દુરુપયોગ બદલ ગુન્હેગાર ઠેરવી 1,700 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ દંડ માટે કારણરૂપ તથ્યોનો ગૂગલે કોઈ વિરોધ કર્યો ન હતો.
ફ્રાન્સમાં ગૂગલ સામે જીતનાર લો-ફર્મ આ કેસમાં પણ
આ કેસ લડનાર લો-ફર્મ જેરનાડિન પાર્ટનર્સ જ તાજેતરના કેસ લડી રહી છે. નેધરલેન્ડમાં દાખલ કરવામાં આવેલા કેસમાં યુરોપીય યુનિયનના બધા જ પ્રકાશકો ભેગા થયા છે. ગૂગલે પોતાની રજૂઆતમાં કહ્યું કે ગૂગલ એડ-ટૅક સર્વરોએ મુખ્ય જાહેરખબર પ્લેટફોર્મ બનીને સેવાઓ આપીને લાખ્ખો વેબસાઈટ્સ અને એપ્સના વિકાસમાં યોગદાન આપ્યું છે. ગૂગલ આ વખતે કેસ લડવાના મિજાજમાં જણાઈ રહ્યું છે. કેસ દાખલ કરનાર લો-ફર્મે જણાવ્યું કે ગૂગલે પ્રકાશકોના એડ-સર્વર અને એડ-એક્સચેન્જનો દુરુપયોગ કર્યો છે. આ પ્રવૃત્તિ 2014 થી ચાલી રહી છે. કમ્પિટિશન વિરોધી મોનોપોલીથી સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રકાશકોને મોટું નુકસાન થયું છે. હવે સમય પાકી ગયો છે કે ગૂગલ પોતાની ભૂલ સ્વીકારીને નુકસાનીનું વળતર ચૂકવે.
ટૅક કંપનીઓ પર કોપીરાઇટના કેસ
ફ્રાન્સના કેસમાં કમ્પિટિશન કમિશને દંડ ફટકાર્યો, કારણ કે ગૂગલે પ્રકાશનોના કન્ટેન્ટના સ્નિપેટ્સનો ઉપયોગ કરવા બદલ કોપીરાઈટ ફી ચુકવી ન હતી. યુરોપમાં ઉત્પાદનોની કિંમતોની સરખામણી કરી વિશ્લેષણ કરનાર પ્રાઈસ રનરનો દાવો છે કે ગૂગલે કમ્પિટિશન કાયદાનો ભંગ કર્યો છે. આયર્લેન્ડમાં ડેટા પ્રોટૅક્શન કમિશને અંગત ડેટાની ચોરી અને દુરુપયોગના આરોપો મૂક્યા છે. બ્રિટનમાં મેટા કંપનીએ ફેસબુકનો ઉપયોગ કરવા દેવા ગેરવાજબી શરતોનું પાલન કરાવી ખાનગી ડેટા મેળવ્યો હોવાનો આરોપ છે.
એડ-ટૅક શી રીતે કામ કરે ?
ગૂગલના જણાવ્યા મુજબ એડ-ટૅક પ્લેટફોર્મ જાહેરખબરો ખરીદવા-વેચવા અને મેનેજ કરવા અને જાહેરાતોને અનેક માપદંડો પર માપવામાં મોટી મદદ કરે છે. એડ-ટૅક એક અટપટા અલ્ગોરિધમની મદદથી કયા ગ્રાહક, કયા ઉત્પાદનો માટે કેવી જાહેરાત પસંદ કરશે તે તારવી આપે છે. સાથે જ જાહેરખબર કેટલા લોકોએ જોઈ તે પણ કહી આપે છે.