મોટા શહેરોની સાથે સાથે હવે નાના શહેરોમાં પણ હોમ લોન લેનાર મહિલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર નાણાંકીય વર્ષ 2021-22માં એવા 20 જિલ્લાઓ છે, ત્યાં હોમ લોન ફાળવણીમાં મહિલાઓનો હિસ્સો સૌથી વધારે છે, જેમાં છ જિલ્લા છત્તીસગઢના છે તેમજ ત્રણ-ત્રણ જિલ્લા ગુજરાત અને તમિલનાડુના છે. આ જિલ્લાઓની કુલ વસ્તીમાં મહિલાઓનું પ્રમાણ સરેરાશ 49 ટકા છે.
SBIના એક રિપોર્ટમાં પહેલીવાર ઘર ખરીદવા માટે લોન લેનાર મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયુ છે. આ રિપોર્ટ અનુસાર ટિયર-3 અને ટિયર-4 શહેરોમાં મકાનોની માંગ વધી રહી છે, જેમાં હોમ લેનાર મહિલા કસ્ટમરોની સંખ્યા ઝડપથી વધી છે.
ગુજરાતના ડાંગ જિલ્લામાં નવી હોમ લોન ફાળવણીમાં મહિલા કસ્ટમરોનો હિસ્સો 86 ટકા છે. ત્યારબાદના ક્રમે આ પ્રમાણ બિહારના અરવલ્લી જિલ્લામાં 75 ટકા, ગુજરાતના બોટાદ જિલ્લામાં 63 ટકા છે. નાણાંકીય વર્ષ 2021-22માં હોમ લોનના કુલ પોર્ટફોલિયોનો ગ્રોથ 10 ટકાથી ઉંચો રહ્યો છે. કોરોના મહામારી બાદ ટિયર-3 અને ટિયર-4ના વિસ્તારોમાં હોમ લોનનો ગ્રોથ ટિયર-1 અને ટિયર-2ન સરખામણીએ ઉંચો રહ્યો છે. વર્ષ 2018-19 થી 2021-22 દરમિયાન હોમ લોન પોર્ટફોલિયોનો ચક્રિય સરેરાશ વૃદ્ધિદર 11 ટકા રહ્યો છે. તેની તુલનાએ ટિયર-3 અને ટિયર-4 જિલ્લાઓમાં હોમ લોનનું વિતરણ 12થી 14 ટકાના દરે વધ્યુ છે.
નાણાંકીય વર્ષ 2019- 2020 બાદ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોનો ક્રેડિટ ગ્રોથ વધી રહ્યો છે અને તેમાં રિટેલ ભાગીદારી પણ સારી છે. એસબીઆઇના રિપોર્ટ અનુસાર જૂન 2022માં બેન્ક ક્રેડિટમાં હાઉસિંગ લોનનો હિસ્સો વધીને 14.4 ટકા થયો છે જે માર્ચ 2020માં 13.1 ટકા હતો.