Published by : Vanshika Gor
ગોંડલ ચોકડીએ રૂ.89 કરોડના ખર્ચે તૈયાર થયેલ રાજ્યનો સૌ પ્રથમ એલિવેટેડ ઓવરબ્રિજનું આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાંજના પાંચ વાગ્યે લોકાર્પણ કરનાર છે. આ ઓવરબ્રિજ બનતા રાજકોટ-શાપર-વેરાવળના આશરે 3 લાખથી વધુ વાહનચાલકોને હાશકારો થશે.
ગોંડલ ચોકડીએ બ્રીજ બનતા બે વર્ષથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. સવારે અને સાંજના સમયે ગોંડલ ચોકડી પાસે બેથી પાંચ કિમીનો ટ્રાફિકજામ સર્જાય છે. આવતીકાલથી હવે આ ટ્રાફિક સમસ્યામાંથી રાજકોટ અને શાપર-વેરાવળના ઉદ્યોગકારોને મુક્તિ મળનાર છે. ગોંડલ ચોકડીએ 1.2 કિમીનો લાંબો સીક્સલેન ઓવરબ્રીજ નેશનલ હાઈ-વે ઓથોરીટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તેમાં 45 મીટરના 12 ગડર અને 30 મીટરના 20 ગડર મૂકી બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વર્ષ 2021માં નેશનલ હાઈ-વે ઓથોરીટી દ્વારા વૈધ્ય ઈન્ફાબીલ્ટ પ્રા.લિ.ને ઓવરબ્રીજનું કામ સોંપવામાં આવ્યું હતું અને 24 મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું કોન્ટ્રાકટર દ્વારા નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.શાપર-વેરાવળ, પારડી, કોઠારીયા જેવી જીઆઈડીસીના કારણે ગોંડલ ચોકડીએ દૈનિક ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હતા હવે બ્રીજ તૈયાર થતાં આવતીકાલથી ગોંડલ ચોકડીએ ટ્રાફિક સમસ્યા નહીંવત થઈ જનાર છે. આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે બ્રીજનું લોકાર્પણ કરવામાં આવનાર હોય તંત્ર દ્વારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતના આયોજન અંગેની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે મળી હતી. પોલીસ હેડ ક્વાર્ટર, ગોંડલ ચોકડી તથા હોટેલ રીજન્સી લગુન ખાતે યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમ સંબંધિત સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાનુ પાણી, સેનિટેશન, સફાઈ, ઓડિયન્સ, ટ્રાફિક, વિક્ષેપવિહીન વીજળી વગેરેની યોગ્ય ગોઠવણ કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. કાર્યક્રમના સ્થળે એલ.ઈ.ડી. એનાઉન્સર, લાભાર્થીઓ વગેરેનું સુચારૂ આયોજન ગોઠવવા પર ભાર મૂક્યો હતો.