- ગૌસેવકોએ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ધેરાવો કરતા મામલો ગરમાયો
- એક સાથે હજારો પશુઓને છોડી મુકાતા અફરાતફરીનો માહોલ…
સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાય ગૌશાળા પાંજરાપોળોને ન ચુકવાતા બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી સંચાલકોએ અબોલ જીવોને છોડી મૂક્તા પોલીસ દોડતી થઈ ગઈ છે.
ગૌશાળા પાંજરાપોળોમાં ઢોરોના રહેવા તેમજ અન્ય ખર્ચ માટેનું દાન બંધ થઈ જતા પાંજરાપોળ સંચાલકોએ સરકાર પાસે સહાયની માંગણી કરી હતી. આ માંગ અંગે સરકાર દ્વારા રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરવામાં આવી હતી. પરંતુ સહાય જાહેર કર્યાને છ મહિના વીત્યા બાદ પણ આજ દિન સુધી સહાયનો એક રૂપિયો પણ ન મળ્યો હતો. છેલ્લે સમગ્ર ગુજરાત બંધનું એલાન આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનો અલ્ટીમેટમ આપ્યું હતું અને નહીં આપે તો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમ છતાં સરકારની સહાય ન મળતા અંતે આજે વહેલી સવારે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળોમાંથી સંચાલકો દ્વારા હજારો ઢોરોને છોડી મૂકવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/52c06b9b-c550-4485-b181-cb4696edb5ec1663904347913_1663909148-1024x768.jpg)
ગૌશાળાઓમાંથી અબોલ જીવોને છોડી મૂક્તા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. પોલીસે તમામ ગૌશાળાઓની આજુબાજુ બેરીકેટ ઉતારી દીધા હતા અને મોટો પોલીસ ફોર્સ ઉતારી દીધો હતો. તેમ છતાં સંચાલકોએ સવારે ઢોર છોડી મૂકતા તમામ ઢોર શહેરો તરફ પ્રવેશ કરી ચૂક્યા છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/d3_1663913303-1024x562.jpg)
બનાસકાંઠાના ડીસામાં ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોમાં વધતાં જતા આક્રોશ વચ્ચે ગૌસેવકોએ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાનો પણ ઘેરાવો કર્યો હતો.મંત્રીની ગાડીનો ઘેરાવો કરતા મંત્રી ગાડીના કાચ પણ ખોલી શક્યા ન હતા. અને મામલો ગરમાયો હતો. પોલીસે મહામુસીબતે મંત્રીને કારમાંથી બહાર કાઢ્યા હતા.