ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાસ સુધીના 16 દિવસો શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખાય છે. પિતૃ પક્ષના દિવસો ચાલતા હોવાથી ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાંથી લોકો શ્રાદ્ધની વિધિ કરાવવા ચાંદોદ પહોંચી રહ્યાં છે. ચાંદોદ ખાતે શનિવારની તુલનામાં રવિવારે ભીડ વધારે જોવા મળી હતી. અંદાજ મુજબ રવિવારે 25 થી 30 હજાર લોકો મંડપો, આશ્રમો અને દેવાલયોમાં પૂજન માટે બેઠા હતા. ચાંદોદમાં પિતૃદોષ, નારાયણબલી, શ્રાદ્ધ કર્મ જેવાં વિધિ વિધાન અર્થે રવિવારે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો.
નર્મદા કિનારાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તર્પણની વિધિ કરાવવા શનિ-રવિવારે 50 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા. ચાંદોદ ગામમાં 100 જેટલા બ્રાહ્મણો શ્રાદ્ધ વિધિ કરાવે છે. ચાંદોદનાં વિવિધ મંદિરો, વાડી અને હોલમાં બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધની વિધિ કરાવાઈ હતી. કોરોનાનાં 2 વર્ષમાં જે લોકો ચાંદોદમાં શ્રાદ્ધની વિધિ કરાવી શક્યા નથી તેવા અનેક લોકોએ ચાલુ વર્ષે બ્રાહ્મણો દ્વારા શાંતિ પાઠ જેવી વિધિ કરાવી હતી.

ચાંદોદમાં પશુ-પક્ષીનું પણ તર્પણ-પિંડદાન…
પ્રાણીઓના ઉદ્ધાર માટે ચાંદોદ તીર્થ ઉત્તમ છે. શાસ્ત્રોમાં ચાંદોદની ભૂમિને સર્વ પિતૃ મોક્ષ ભૂમિ કહેવાઈ છે, માટે પાળેલાં પશુ-પક્ષીનું પણ ચાંદોદમાં તર્પણ-પિંડદાન કરી શકાય છે. નર્મદા-ઓરસંગ અને ગુપ્ત સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે પણ નારાયણબલી, ત્રિપિંડી શ્રાદ્ધ જેવી વિધિ કરવામાં આવે છે.