Published by : Rana Kajal
ઉત્તરાયણમાં જીવલેણ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવા પર પોલીસે પ્રતિબંધ મુક્યો છે. આ દરમિયાન અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે પહેલો કેસ નોંધાયો છે. પેટ્રોલિંગ સમયે એક યુવક ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતંગ ચગાવતો હતો. પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતંગ ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતંગ ઉતારાવ્યા બાદ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.
ઉતરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોએ આકાશમાં પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ આ મજા ઘણીવાર અન્ય લોકો માટે સજા બની જાય છે. દર વર્ષે જોઈએ છીએ કે, પતંગની દોરીથી ઘણા પક્ષીઓ અને માણસોને ગંભીર ઈજા થાય છે અને ઘણીવાર આ ઈજા મોતમાં પણ પરિણામે છે.