Published By:-Bhavika Sasiya
- છેલ્લા બે-વર્ષમાં ભારતમાં સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં-આપઘાતનું પ્રમાણ બે ગણું વધ્યું એમ એક સર્વેમાં જણાયું છે…
- બેરોજગારી, કૌટુંબિક સમસ્યાઓ અને સ્વાસ્થ્યલક્ષી કારણોસર પુરુષોમાં આપઘાતના પ્રમાણમાં વધારો
- ભારતમાં આપઘાતના દરનો અભ્યાસ કરાયો.
- પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં આપઘાતનું સૌથી મોટું કારણ બેરોજગારી
ભારતમાં આપઘાતના બનાવોમાં, ખાસ કરીને પુરુષો દ્વારા આપઘાતમાં ચિંતાજનક હદે વધારો થયો છે. 2021માં ભારતમાં સ્યૂસાઇડલ ડેથ રેટ (એસડીઆર) પુરુષોમાં 34.6% અને સ્ત્રીઓમાં 13.1% હતો.
‘ચેન્જિંગ પેટર્ન ઑફ સ્યૂસાઇડ ડેથ્સ ઇન ઇન્ડિયા’ ટાઇટલ સાથેના લેન્સેટ જર્નલના તાજેતરના એક સ્ટડીમાં આ ઘટસ્ફોટ કરાયો છે, જેમાં સામાજિક, વસ્તીવિષયક ડેટાનો ઉપયોગ કરીને ભારતમાં આપઘાતના દરનો અભ્યાસ કરાયો હતો. સ્ટડી માટે લેન્સેટે ભારતમાં આપઘાતથી મોત અંગેના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના 2014થી 2021 સુધીના રિપોર્ટસ નો ઉપયોગ કર્યો હતો. તેણે એનસીઆરબીમાં ગ્લોબલ બર્ડન ઑફ્ ડિસીઝની સરખામણીમાં આત્મહત્યાથી મૃત્યુના અન્ડરરિપોર્ટિંગ પર પણ ધ્યાન દોર્યું હતું. કોરોના મહામારીને પગલે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં આપઘાતનું સૌથી મોટું કારણ બેરોજગારી રહ્યું. સૌથી વધુ 48.2% પુરુષો અને 27.8% સ્ત્રીઓએ બેરોજગારીના કારણે જીવન ટૂંકાવ્યું હતું. તે પછીના કારણોમાં ફેમિલી પ્રોબ્લેમ્સ અને હેલ્થના પ્રશ્નો સામેલ હતા. 2014થી 2021 દરમિયાન ભારતમાં સ્યૂસાઇડનો મેલ-ટુ-ફીમેલ રેશિયો 1.9 અને 2.5થી વધીને 2.4 અને 3.2 થયો હતો. આપઘાત કરનારા પુરુષોમાં મોસ્ટ કોમન એજ રેન્જ 18થી 29, 30થી 44 અને 45થી 59 વર્ષ હતી જ્યારે સ્ત્રીઓમાં 18થી 29 વર્ષ હતી. સ્ટડી દ્વારા જાણવા મળ્યું કે નિરક્ષર સ્ત્રીઓની સરખામણીમાં ધોરણ- 6 કરતાં વધુ ભણેલી સ્ત્રીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે. અપરિણીત મહિલાઓમાં આપઘાતમાં થોડો વધારો થયો છે જ્યારે પરિણીત મહિલાઓમાં તેનું પ્રમાણ થોડું ઘટયું છે. એકંદરે ભારતીય મહિલાઓમાં આપઘાતથી મૃત્યુની સામાજિક વસ્તીવિષયક રૂપરેખામાં ઝાઝો ફેરફર નથી થયો.